- જૂન મહિનો પૂર્ણ થવા છતાં નોંધપાત્ર વરસાદના અભાવે જળાશયોના જળસ્તર ઘટ્યા, ખેડૂતો અને નાગરિકોની નજર હવે સારા વરસાદ પર મંડાઈ

વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ આજે સવારે મેઘરાજાએ એન્ટ્રી કરતાં સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી અને ઉકળાટથી પરેશાન નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

સામાન્ય રીતે જૂન મહિનાના મધ્યભાગથી ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે જૂન મહિનો પૂર્ણ થવા છતાં નોંધપાત્ર વરસાદ ન વરસતાં શહેર તેમજ જિલ્લામાં પાણીની તંગીની ચિંતા ઊભી થઈ છે. વરસાદ ખેંચાતાં જળાશયોના જળસ્તરમાં પણ સતત ઘટાડો નોંધાયો છે, જેના કારણે નાગરિકો સારા વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આજે સવારે વરસાદ શરૂ થતાં કામ-ધંધા અને ઓફિસ જવા નીકળેલા લોકો રેઇનકોટ અને છત્રીનો સહારો લેતા નજરે પડ્યા હતા.

જોકે, જિલ્લાના મુખ્ય જળાશયોમાં હજુ પણ પાણીનું સ્તર ચિંતાજનક રીતે નીચું હોવાથી માત્ર આ વરસાદ પૂરતો નહીં ગણાય. પીવાના પાણીની ચિંતા દૂર થાય અને જળાશયો ભરાઈ જાય તે માટે આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે.

બીજી તરફ વરસાદના અભાવે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. વાવણીની રાહ જોઈ રહેલા ખેડૂતોની નજર હવે આકાશ તરફ મંડાઈ છે. સમયસર અને પૂરતા વરસાદથી જ ખેતીકાર્યને વેગ મળશે તેવી આશા સાથે ખેડૂતો પણ મેઘરાજાની મહેરની રાહ જોઈ રહ્યા છે.




