- ચાંદીની ચેઇન મુદ્દે બિચકેલા મામલે સામસામે ફરિયાદ નોંધાઈ
- લક્ષ્મીપુરા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી, ઉશ્કેરાયેલા બીજા જૂથે લાફાવાળી અને મારામારી કરી હતી

વડોદરાના ગોત્રી રોડ પર આવેલા દીનદયાલનગરમાં 29 જૂને બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં અગાઉના ઝગડાની અદાવતમાં યુવકે જાહેરમાં પોલીસની હાજરીમાં ચપ્પુ કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે ઉશ્કેરાયેલા બીજા જૂથે લાફાવાળી અને મારામારી કરી હતી.
ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સમયે જીગર નામના આરોપીના હાથમાં ચપ્પુ હતું એને પોલીસનો કોઈ ડર ન હોય એમ ખુલ્લેઆમ ચપ્પુ લઈને ફરતો હતો. આ મામલે લક્ષ્મીપુરા પોલીસે બંને જૂથના ચાર આરોપીની ધરપકડ કરી છે અને સામસામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના ગોત્રી રોડ પર આવેલા દીનદયાલ નગરમાં રહેતા હિનાબેન ચિરાગભાઈ પરમારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 29 જૂન, 2026ની રાત્રે આશરે 10 વાગ્યે મુન્ના કનોજીયા અને તેમના પતિના મિત્ર ઉદય ઉર્ફે કીશુ ડોડીયા વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ ઉદય તેમના ઘરે આવ્યો હતો. રાત્રે આશરે 1130 વાગ્યે મુન્ના કનોજીયા, જીગર, રાગીની કનોજીયા અને શોભનાબેન કનોજીયા તેમના ઘરે પહોંચી બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યા હતા.
આ દરમિયાન મુન્નાની ચાંદીની ચેઇન અંગે પૂછપરછ કરીને ચેઇન પરત આપવા દબાણ કર્યું હતું. ચેઇન અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવતાં રાગીનીબેને હિનાબેનને ડાબી આંખની ઉપરના ભાગે મુક્કો માર્યો હતો. આ ઉપરાંત જીગરે મોટું ચપ્પુ કાઢી ચેઇન નહીં મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, તે દરમિયાન પોલીસ આવી જતાં ચપ્પુ સંતાડી દીધું હતું.

બીજી તરફ, દીનદયાલ નગરમાં રહેતી રાગીનીબેન જયરાજભાઈ કનોજીયાએ પણ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, 29 જૂન, 2026ની રાત્રે સાડા 11 વાગ્યાની આસપાસ તેઓ પરિવાર સાથે ઘરની નીચે બેઠા હતા ત્યારે વિજય ઉર્ફે ઢોલો રાણા, ઉદય ઉર્ફે કીશુ ડોડીયા અને જયમીન વાઘેલા ત્યાં આવ્યા હતા અને તેના ભાઈને વુડા વિસ્તારમાં નહીં આવવાનું કહેતા બોલાચાલી શરૂ થઈ હતી.
ત્રણેય શખ્સોએ ગાળો આપી ધમકીઓ આપી હતી. આ દરમિયાન જયમીન વાઘેલાએ તેમનો જમણો હાથ પકડી મરડ્યો હતો, જ્યારે વિજય ઉર્ફે ઢોલો રાણાએ ડાબા ગાલ પર લાફો મારતા તેમના કાનમાં પહેરેલી સોનાની કડી પડી ગઈ હતી. ત્યારબાદ તેમના સસરા વચ્ચે પડતાં તેમની સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી, જેમાં તેમના સસરાના ગળામાં પહેરેલી ચાંદીની ચેઇન તૂટી ગઈ હતી. આ ઘટના દરમિયાન પોલીસની ગાડી આવી જતાં 3 આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
રાગીનીબેનને જમણા હાથની ટચલી આંગળીમાં ઈજા થતાં તેમને ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે લક્ષ્મીપુરા પોલીસે સામસામે ગુનો નોંધીને ચાર આરોપીને ઝડપી પાડ્યા છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.


