પોલીસે આરોપી રક્ષિતને ગોલ્ડન ચોકડી પાસે ગાંજો આપનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી

પોલીસ પુછપરછમાં આરોપી રક્ષિતે ગોલ્ડન ચોકડીથી પાસેથી ગાંજો ખરીદ્યો હોવાનું જણાવ્યું

MailVadodara.com - Police-start-searching-for-the-person-who-gave-ganja-to-accused-Rakshit-near-Golden-Chowkdi

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત કેસમાં પ્રાંશુ અને સુરેશ સાથે ગાંજાનું સેવન કરનાર આરોપી રક્ષિતની વારસીયા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ધરપકડ કરી છે. આ દરમિયાન આરોપી રક્ષિતે પોલીસને જણાવ્યું છે કે, ગોલ્ડન ચોકડી પાસેથી તેણે કોઈ વ્યક્તિ પાસેથી ગાંજો ખરીદ્યો હતો. પોલીસે તે વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.


સુરેશ ભરવાડ પણ હાલ વારસિયા પોલીસની કસ્ટડીમાં છે. હવે રક્ષિત પણ વારસિયા પોલીસની કસ્ટડીમાં છે. પોલીસ બંનેને સાથે રાખીને પૂછપરછ કરી રહી છે. અગાઉ પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, ગાંજો રક્ષિત લઈને આવ્યો હતો અને ત્રણેયે સાથે મળીને ગાંજાનું સેવન કર્યું હતું. જેથી પોલીસે આરોપી રક્ષિતની સઘન પૂછપરછ કરી હતી. જોકે આરોપી રક્ષિત વારસિયા પોલીસને પણ ગોળ ગોળ જવાબો આપી રહ્યો છે. આ પહેલા કારેલીબાગ પોલીસને પણ રક્ષિતે ગોળ ગોળ જવાબો આપ્યા હતા અને પોતાના વકીલ સાથે વાત કરવાનું કહેતો હતો.

આ પહેલા વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ આરોપી રક્ષિત ચોરસીયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલને FSLમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ મળ્યો હતો. જેમાં રક્ષિત, પ્રાંશુ અને સુરેશના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી હતી. જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે એનડીપીએસ એક્ટની કલમ 27 A મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણેયને આરોપી દર્શાવાયા હતા અને પ્રાંશુ ચૌહાણ, સુરેશ ભરવાડ અને રક્ષિત ચૌરસિયાની અટકાયત કરવામાં આવી હતી.

આરોપીઓ ગાંજો ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ પોલીસ કરી રહી છે. આ ઉપરાંત રક્ષિત સામે થયેલી મુખ્ય ફરિયાદમાં નશો કરીને વાહન ચલાવવા બદલ કલમ 185નો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. કારની સ્પીડ અંગે એફએસએલ રિપોર્ટ બાદ માહિતી બહાર આવશે. તમામ ફોરેન્સિક પુરાવા, વૈજ્ઞાનિક પુરાવા અને સાક્ષીઓના નિવેદન બાદ પોલીસ ચાર્જશીટ દાખલ કરશે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચ, 2025ની રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં એક બાળક-બાળકી સહિત કુલ 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.

Share :

Leave a Comments