- સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં કારેલીબાગ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ રોડ ઉપર ચોંટાડેલા પાકિસ્તાન ધ્વજના પોસ્ટર હટાવી દીધા હતા
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન આજે (29 એપ્રિલ) વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુખ્ય રોડ પર પાકિસ્તાન રાષ્ટ્રધ્વજના પોસ્ટર લાગ્યા હતાં. ઘટનાની જાણ થતા કારેલીબાગ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પોસ્ટરો હટાવી દીધા હતા. હાલમાં આ પોસ્ટર કોના દ્વારા લગાવવામાં આવ્યાં હતા તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ શ્રી વાઘેશ્વરી સોસાયટી, ચંદ્રાવતી સોસાયટી પાસે અને કારેલીબાગ પાસે જાહેર મુખ્ય રોડ પાકિસ્તાન ધ્વજના પોસ્ટર રોડ પર અજાણી વ્યક્તિએ લગાવી દીધા હતા. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેથી કારેલીબાગ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રોડ ઉપર ચોંટાડેલા પાકિસ્તાનના પોસ્ટર હટાવી દીધા હતા.
આ પોસ્ટર કોણે લગાવ્યા અને ક્યારે લગાવ્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સવારે લોકો રસ્તા પરથી પસાર થતા હતા, એ સમયે આ પોસ્ટરો લોકોએ જોયા હતા. પ્રાથમિક દ્રષ્ટીએ રાત્રિના સમયે આ પોસ્ટરો કોઈએ લગાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, કારેલીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટી પાસે પાકિસ્તાનના પોસ્ટરો લાગ્યા હતા અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર શાંતિપ્રિય અને સંસ્કારી નગરી છે. વિરોધ કરવાનો તમામને અધિકાર છે. મેં આ રોડ પર લાગેલા પોસ્ટર જોયા હતા, જેથી કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. કારેલીબાગ પોલીસને આવીને પોસ્ટર હટાવ્યા હતા.
વધુમાં ઉમેર્યું કે, અમે વડાપ્રધાનને કહેવા માંગીએ છીએ કે પાકિસ્તાન આતંકવાદને પનાહ આપી રહ્યું છે. આવા પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી નાબૂદ કરી દેવું જોઈએ.
કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, મુખ્ય રોડ પર પોસ્ટરો લાગેલા હોવાની માહિતી મળતા અમારી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તુરંત જ પોસ્ટર હટાવી દીધા હતા. આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.