- પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, બે પંચોની હાજરીમાં રેઇડ કરી અને આરોપી કિરણભાઈ રાવજીભાઈ પરમારની ધરપકડ કરી, આરોપીની અંગઝડતીમાં 24,750ની રોકડ રકમ મળી
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે ઉમા ચાર રસ્તા ખાતે એક શખસની ધરપકડ કરી, જે ઓનલાઈન સટ્ટો રમતો હોવાનું સામે આવ્યું છે.
પાણીગેટ પોલીસ સ્ટેશનના ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત તેમની ટીમને ચાલી રહેલી IPL અને અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બુકીઓ અને સટોડીયાઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવા સૂચના આપી હતી. આ સૂચનાને પગલે પોલીસ ટીમે ગુપ્ત બાતમીના આધારે કલાદર્શન ચાર રસ્તા નજીક રેઇડ હાથ ધરી હતી. બાતમી મુજબ, કિરણભાઈ રાવજીભાઈ પરમાર નામનો શખસ ઉમા ચાર રસ્તા ખાતે ઉભો હતો અને તેના મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, બે પંચોની હાજરીમાં રેઇડ કરી અને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરાયેલ શખસે પોતાનું નામ કિરણભાઈ રાવજીભાઈ પરમાર (રહે. ઈન્દિરાનગર, રિફાઈનરી રોડ, વડોદરા) તરીકે જણાવ્યું હતું. તેની પાસેથી મળેલ આઈફોન તપાસમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં admin.playcasino.vip વેબસાઈટ પર ઓનલાઈન સટ્ટો રમવા માટેનું એકાઉન્ટ મળી આવ્યું હતું. આ એકાઉન્ટમાં બેંક ડિપોઝિટ, બેંક વિથડ્રો, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, પેન્ડિંગ બેટ્સ અને રિપોર્ટ્સ જેવા વિકલ્પો હતા, જે ઓનલાઈન સટ્ટાની પ્રવૃત્તિની પુષ્ટિ કરે છે.
પોલીસે આરોપી પાસેથી ઓનલાઈન સટ્ટો રમવાનું પરમિટ માંગ્યું પરંતુ, આરોપી પાસે કોઈ પરમિટ ન હોવાનું જણાવ્યું હતું. આરોપીના મોબાઈલમાંથી લેવાયેલા ત્રણ સ્ક્રીનશોટની પ્રિન્ટઆઉટ કાઢવામાં આવી, જેના પર પંચો અને પોલીસ અધિકારીઓની સહીઓ કરવામાં આવી. આ ઉપરાંત આરોપીની અંગઝડતીમાં રૂ. 24,750ની રોકડ રકમ મળી, જે તેણે ઓનલાઈન સટ્ટામાંથી મેળવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કેસ નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી શહેરમાં ઓનલાઈન સટ્ટાની પ્રવૃત્તિઓ સામે સખત પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનું સ્પષ્ટ થાય છે.