- નરહરિ હોસ્પિટલથી બાલભવનના રોડ પર પાકિસ્તાન મુર્દાબાદના પોસ્ટર લાગ્યા
- રાત્રિના સમયે કોઇએ પોસ્ટર લગાવ્યા હોવાની ચર્ચા, અગાઉ કારેલીબાગ પાસે પોસ્ટર લાગ્યા હતા
- પહેલા અને આજે લગાવેલા પોસ્ટર કોણે અને ક્યારે લગાવ્યા તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન વડોદરા શહેરમાં ફરીથી જાહેર માર્ગ પર પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર લાગ્યા છે. શહેરના નરહરિ હોસ્પિટલથી બાલભવન તરફ જવાના માર્ગ પર પાકિસ્તાનના ધ્વજ દર્શાવતા પોસ્ટર લાગ્યા છે. સાથે પોસ્ટર પર પાકિસ્તાન મુર્દાબાદ લખેલ નજરે પડ્યું છે. આ મામલે પોલીસને જાણ થતા તાત્કાલિક પોસ્ટર હટાવી લીધા છે. ત્યારે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં થયેલ હુમલાના વિરોધમાં આ મામલો સામે આવ્યો છે.
પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાના પગલે સુરક્ષા એજન્સીઓ દેશમાં સજાગ બની છે. વડોદરામાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. ત્યારે પહેલા કારેલીબાગ વિસ્તારમાં લાગેલા પોસ્ટરની પોલીસ તપાસ હજુ પૂરી નથી થઈ ત્યાં ફરી પોસ્ટર લગતા શહેરમાં હડકંપ મચી જવા પામી છે. આ અંગેની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પોસ્ટરો હટાવી લીધા હતા.
વડોદરાના કારેલીબાગ પોલીસ મથક અને સયાજીગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં ફરી પાકિસ્તાની રાષ્ટ્ર ધ્વજના પોસ્ટર રોડ પર નજરે પડતા પોલીસ દોડતી થઈ હતી. આ પોસ્ટરો લગાવનાર વ્યક્તિ કોણ છે તે હજુ જાણી શકાયું નથી. પરંતુ આ પોસ્ટર જ્યાં સીસીટીવી ફૂટેજ કે અવારજવર ઓછી હોય તેવા વિસ્તારોમાં રાત્રિના સમયે લાગી જાય છે અને પોલીસને સવારે જાણ થતા હટાવી લે છે. ત્યારે કહી શકાય કે જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલાની ઘટનાના વિરોધ વડોદરામાં આજે પણ પોસ્ટર વોર દ્વારા જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો અગાઉ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ શ્રી વાઘેશ્વરી સોસાયટી અને ચંદ્રાવતી સોસાયટી પાસે કારેલીબાગ પાસે જાહેર મુખ્ય રોડ પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર રોડ પર કોઈ લગાવી દીધા હતા. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ત્યાંથી પસાર થઈ રહેલા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણકારી હતી. જેથી કારેલીબાગ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રોડ ઉપર ચોંટાડેલા પોસ્ટર હટાવી દીધા હતા.
જોકે પહેલા અને આજે લગાવેલા પોસ્ટર કોણે લગાવ્યા અને ક્યારે લગાવ્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સવારે લોકો રસ્તા પરથી પસાર થતા હતા એ સમયે આ પોસ્ટરો લોકોએ જોયા હતા તેથી રાત્રિના સમયે આ પોસ્ટરો કોઈએ લગાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે પણ વડોદરામાં આ પ્રકારના પોસ્ટર જોઈ રાહદારીઓ ચોકી ઉઠ્યા હતા.