- ઝઘડી રહેલા શખ્સોને સમજાવવા ગયેલા બે હોમગાર્ડ સાથે ગાળાગાળી કરી ધક્કા-મુક્કી કરી ઢીકા પાટુનો માર મારી એક શખ્સે કહ્યું, અમારી વચ્ચે પડવું નહીં, નહીંતર તમારા હાથ-ટાટીયા તોડી નાખીશું
- આરોપીઓએ પોતાના બે કાન પકડીને કહ્યું કે, અમે માફી માંગીએ છીએ, અમે પોલીસ કે હોમગાર્ડ કે કોઈપણ વ્યક્તિ સાથે ન્યુસન્સ નહીં કરીએ, અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર
વડોદરા શહેર વારસીયા વિસ્તારમાં આવેલ સવાદ ક્વાર્ટર્સ ખાતે રાત્રિના 3 વાગ્યાના અરસામાં હોમગાર્ડ સભ્યોનો નાઇટ રાઉન્ડ હતો. આ દરમિયાન કેટલાક અસામાજીક શખસોએ ભેગા થઈને હોમગાર્ડ સભ્યો સાથે જાહેરમાં ગાળાગાળી તેમજ ધક્કા-મુક્કી કરીને ઢીકા-પાટુની મારામારી કરી હતી અને એક હોમગાર્ડને લાફો મારી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ત્યારબાદ વારસિયા પોલીસે 4 શખસોને ઝડપી પાડ્યા છે અને એક આરોપીને વોન્ટેડ જ્યારે કર્યો છે. આરોપીઓએ પોતાના બે કાન પકડીને કહ્યું હતું કે, અમે માફી માંગીએ છીએ. અમે પોલીસ કે હોમગાર્ડ કે કોઈપણ વ્યક્તિ સાથે ન્યુસન્સ નહીં કરીએ અને અસામાજિક પ્રવૃત્તિ નહીં કરીએ.
વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ દરમિયાન હોમગાર્ડ ધૂપેશ ગીરીશભાઇ રાવળ અને હોમગાર્ડ કલ્પેશ હીરાલાલ પરમાર ફરજ પર હતા. રાત્રિના આશરે 2.45 વાગ્યે વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. પેટ્રોલિંગ કરતા કરતા જલારામ મંદિર નાથીબા સોસાયટી પાસે પહોચતા ત્યાં કેટલાક અસામાજીક શખસો ઝઘડતા હોવાનો અવાજ સંભળાયો હતો અને હોમગાર્ડ સભ્યો પોતાની એક્ટિવા પર બેસી જય ભોલે યુવક મંડળના મંડપ પાસે સ્વાદ કવાર્ટસ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જગ્યા પર જઇ જોતા કેટલાક શખસો એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા હતા.
આ સમયે હોમગાર્ડ સભ્યોએ ઝઘડતા શખસોને ઝઘડો ન કરવા માટે સમજાવ્યા હતાં. જ્યાં ઝઘડતા શખસો પૈકી ગૌરાંગ હરેરામ સિંગે હોમગાર્ડ કલ્પેશ હીરાલાલ પરમારને લાફો મારી દીધો હતો અને બન્ને હોમગાર્ડ સભ્યો સાથે ગાળાગાળી કરી ધક્કા-મુક્કી કરી ઢીકા પાટુનો માર માર્યો હતો અને તે શખસોએ કહ્યું હતું કે, તમારે આ વિસ્તારમાં આવવું નહી અને જો આવશો તો તમને અહી નોકરી કરવી ભારે પડી જશે.
આ ઇસમો પૈકી શૈલેન્દ્ર વાઘમારેએ કહ્યું હતું કે, આ વિસ્તાર મારો છે મને પોલીસ અને હોમગાર્ડથી પણ કશુ ફરક પડતો નથી અને તમે તો હોમગાર્ડ છો તમે મારુ શું બગાડી શકશો? અહીંયા તો અમો જે પ્રમાણે કહીએ તે પ્રમાણે જ તમારે રહેવુ પડશે નહીંતર તમને અહીં નોકરી નહી કરવા દઇએ અને તમારે અમારી વચ્ચે પડવું નહીં તમે અહીથી ચાલ્યા જાવ નહીંતર તમારા હાથ-ટાટીયા તોડી નાખીશુ, તેમ કહી આ શખસો છુટા હાથની મારામારી કરવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધાક-ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા અને ઝઘડો કરી નાસી ગયા હતાં.
આ બાબતે હોમગાર્ડ સભ્યોની ફરીયાદના આધારે વારસિયા પોલીસે શૈલેંદ્ર મુકુંદરાવ વાઘમારે (ઉ.વ.25, રહે.સ્વાદ ક્વાર્ટર્સ, વારસીયા, વડોદરા), ગૌરાંગ હરેરામ સિંગ (ઉ.વ.22, રહે. સાંઇદીપ સોસાયટી, ન્યુ વી.આઇ.પી.રોડ, વડોદરા), હર્ષવર્ધન ગણેશભાઇ વાકોડે (ઉ.વ.25, રહે. મોટનાથ રેસીડેન્સી, હરણી સમા લીંક રોડ, વડોદરા) અને વિવેક જગદીશભાઈ શ્રીમાળી (ઉ.વ.25, રહે. મોટનાથ રેસીડેન્સી, હરણી સમા લીંક રોડ,વડોદરા)ની ધરપકડ કરી હતી અને શીવમ કમલેશભાઇ રાજપુત (રહે. શાંતીકુંજ સોસાયટી, સવાદ ક્વાર્ટર્સ, વારસીયા, વડોદરા)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી શૈલેંદ્ર, ગૌરાંગ અને હર્ષવર્ધન સામે અગાઉ પણ ગુનાઓ દાખલ થયેલા છે.