- વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ, અહીં ગટરની સમસ્યા હોવાથી મોટા ડાયામીટરની ગટર લાઈન નાખવાની કામગીરી ચાલુ છે
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં અશોક સોસાયટી અને સત્કાર સોસાયટીની પાસે કોર્પોરેશન દ્વારા છેલ્લા દોઢ મહિનાથી ડ્રેનેજ લાઈનનું કામ ચાલુ કર્યું છે જે ગોકળ ગાયની ગતિથી ચાલતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવતું નથી.
વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ અહીં ગટરની સમસ્યા હોવાથી મોટા ડાયામીટરની ગટર લાઈન નાખવાની કામગીરી ચાલુ થઈ છે. સબ કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરી નાખવામાં આવ્યું છે, અને ગટર લાઈનના મેન ચેમ્બર માટે પાંચ સાત ફૂટ ઊંડા ખાડા કર્યા છે. લોકોના ઘર સુધી ખોદકામ થયું છે. હાલ વરસાદી માહોલ છે અને રાત્રે અંધારામાં કોઈ પડે તો બહાર પણ નીકળી ન શકે તેવી સ્થિતિ છે. બીજું, ખોદકામ કર્યા બાદ આજુબાજુમાંથી લાઇન લીકેજ હોવાના કારણે તેનું ગંદુ પાણી સતત આવતું રહે છે, એટલે ખાડો ભરાયેલો જ રહે છે. પરિણામે કામગીરી પણ થઈ શકતી નથી. આજુબાજુની લાઈનો બંધ કરી પંપીંગથી પાણી ઉલેચી ખોદકામવાળી જગ્યા ખાલી થાય તો કામ થઈ શકે તેવી પરિસ્થિતિ છે. આવતા મહિનાથી ચોમાસુ શરૂ થાય તે પહેલા કામ પૂર્ણ થઈ જાય તે જરૂરી છે.