તુલસીવાડી હાથીખાના રોડ પર વરસાદી પાણી ઘરોમાં-દુકાનોમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકી

શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ, વાવાઝોડા બાદ ત્રાટકેલા વરસાદે પાલિકા તંત્રની પોલ ખોલી

MailVadodara.com - People-are-facing-great-hardship-as-rainwater-enters-houses-and-shops-on-Tulsiwadi-Hathikhana-Road

- માર્ગો પર પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા

- મંગળવારે રાતથી શરૂ થયેલો વરસાદ સતત બીજા દિવસે પણ યથાવત રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા


શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારો જળબંબોળ બની ગયા હતા. આજે સવારે શહેરના તુલસીવાડી હાથીખાના રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. બીજી તરફ માર્ગો પર પડેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે. કમોસમી બે ઇંચ વરસાદે પાલિકા તંત્રની પોલ ખોલી નાખી છે.


સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા પૂરના પ્રકોપને નાથવા માટે હાલ વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત કાંસ, ડ્રેનેજ લાઇનો, વરસાદી ગટરો સાફ કરવાની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી 100 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોકે શહેરમાં આવેલા વાવાઝોડા બાદ ત્રાટકેલા વરસાદે પાલિકા તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે.


મંગળવારે રાતથી શરૂ થયેલો વરસાદ સતત બીજા દિવસે પણ યથાવત રહેતા સ્લમ વિસ્તારોમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરના તુલસીવાડી રોડ હાથીખાના પાસે રામદેવપીરની ચાલી સહિતના લોકોના ઘરોમાં દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા હાલાકી વેઠવાની ફરજ પડી છે. જ્યારે માર્ગ ઉપર પડેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે. પાણીનો નિકાલ ન થતાં પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.

Share :

Leave a Comments