- વડોદરા રેલવે પોલીસ દ્વારા તેમજ BDDS ટીમ, SOG, ડોગ સ્કોડ ટીમે ચેકિંગ કરાયું
આવતી કાલે થર્ટી ફર્સ્ટ છે ત્યારે શહેરમાં શંકાસ્પદ અને માદક પદાર્થો ન ઘૂસે તે માટે લઈ વડોદરા રેલવે પોલીસ સજ્જ થઈ છે. આજે સવારથી રેલવે પોલીસ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર વિવિધ શંકાસ્પદ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આગમી થર્ટી ફર્સ્ટને લઈ રેલ્વે પોલીસ એક્શનમાં આવી છે.
વડોદરા રેલવે પોલીસ દ્વારા રેલ્વે SOG, BDDSની ટીમ સાથે ડોગ સ્કવોડને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન ડોગ સ્કવોડ સાથે અત્યાધુનિક સાધન સામગ્રીથી રેલવે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તપાસ એજન્સીઓ દ્વારા રેલ્વે પ્લેટફોર્મ પર આવેલ પાર્સલ એરિયા, મુસાફર ખાના, વેઇટિંગ રૂમ તેમજ વિવિધ પ્લેટફોર્મ પર ચેકીંગ રાજ કર્યું હતું. જેમાં શંકાસ્પદ મુસાફરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ માદક પદાર્થને ઘુસાડવાના કિમિયાને ડામવા રેલવે પોલીસની કામગીરી હાલમાં જોવા મળી રહી છે.
આ અંગે રેલવે પોલીસ પી.આઈ જે.ઝેડ.વસાવાએ જણાવ્યું હતું કે, આ થર્ટી ફર્સ્ટને લઈ અમારા એસ.પી સરોજકુમાર અને Dy.SPની સૂચના આધારે વડોદરા રેલવે સ્ટેશન વેસ્ટન રેલવે પોલીસ દ્વારા તેમજ BDDS ટીમ, SOG, ડોગ સ્કોડ ટીમને સાથે રાખીને વડોદરા શહેરના રેલવે સ્ટેશન પર 1થી 6 પ્લેટફોર્મ સુધી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
વધુમાં કહ્યું કે, ટીમો બનાવી રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ પર આવેલા મુસાફરખાના, પાર્સલ ચેકિંગ અને પ્લેટફોર્મ નંબર1થી 6 તમામ જગ્યા પર શંકાસ્પદ લાગે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં થર્ટી ફર્સ્ટનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઇ પ્રજાજનોમાં ભયનો માહોલ ન રહે અને શાંતિપૂર્ણ રીતે થર્ટી ફર્સ્ટ ઉજવી શકાય તે અનુસંધાને આ પ્રકારની ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી છે.