- મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ કહ્યું કે, વિશ્વામિત્રી નદીની કામગીરી 40 ટકા થઇ ગઇ છે, બાકીની 60 ટકા કામગીરી ટીમ સાથે મળીને આગામી ચોમાસા પહેલાં પૂરી કરીશું
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની કમિશનર હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે બદલી થતાં તેમના સ્થાને ઉત્તર ગુજરાત વીજ કંપનીના એમ.ડી. અરુણ મહેશ બાબુની નિમણૂક વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનમાં નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ આજે પદભાર સંભાળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીની કામગીરી 40 ટકા થઇ ગઇ છે. બાકીની 60 ટકા કામગીરી ટીમ સાથે મળીને આગામી ચોમાસા પહેલાં પૂરી કરીશું.
વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ પાણીના પ્રશ્ન અંગે જણાવ્યું હતું કે, પાલિકાના સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી પાણીનો પ્રશ્ન વહેલી તકે હલ થાય તેવા પ્રયાસો કરીશું. ઉપરાંત તેઓએ વડોદરાની ઐતિહાસિક ઇમારતો અંગે જે રીતે અમે રાજકોટમાં કામ કર્યું છે. તે રીતે વડોદરામાં પણ કરીશું અને વડોદરાને રાજ્યના અન્ય ત્રણ શહેરોની હરોળમાં લાવવા માટે પ્રયાસો કરીશું તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સ્વચ્છતા અંગે પણ વોર્ડ અને ઝોનમાં મુલાકાત લીધા બાદ સુધારા વધારા કરવામાં આવશે. તેમણે વડોદરામા હાલ જે કામગીરી ચાલી રહી છે તે કામગીરી બમણાં વેગથી કરવામાં આવશે અને વડોદરાનો વિકાસ કરવામાં આવશે. તેમ વધુમાં ઉમેર્યું હતું.