- પૂતળાનું દહન કરવા પહોંચેલા NSUI કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરી પોલીસ વેનમાં બેસાડ્યા
વડોદરાની એમ. એસ યુનિવર્સિટીમાં આવેલ કોમર્સ ફેકલ્ટીના બીબીએ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયામાં લેવાયેલ પરીક્ષાના માર્ક્સ જાહેર ન કરતા બીજા દિવસે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરી ફેકલ્ટી પરિસરમાં સત્તાધીશોના પૂતળાનું દહન કરે તે પહેલાં જ પોલીસે તેઓની અટકાય કરી હતી. આ પ્રવેશ પરિક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા નથી, જેને લઈ બીજા દિવસે પણ વિરોધ જોવા મળ્યો હતો.
NSUIની માંગ છે કે, BBA ફેકલ્ટીએ પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા વ્યક્તિગત ગુણ જાહેર કર્યા નથી. પારદર્શિતાના અભાવે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં અનેક શંકાઓ અને ચિંતાઓ ઉભી થઈ છે. પ્રવેશ પ્રક્રિયામાં અનિયમિતતાઓ અને સંભવિત ગેરરીતિઓના આરોપો વધી રહ્યા છે. જેથી પ્રવેશ પરીક્ષાના દરેક તબક્કામાં બધા ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણ વ્યક્તિગત અને જાહેરમાં જાહેર કરવામાં આવે. સાથે સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પારદર્શક અને જવાબદાર રીતે હાથ ધરવામાં આવે, જેમાં ગુણવત્તા અને સમાનતાના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તેવી માંગ કરી છે.
ગતરોજ ઓફિસમાં નકલી ચલણી નોટો ઉડાવી વિરોધ બાદ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર દ્વારા સાત્વના આપવામાં આવી હતી અને સાંજ સુધીમાં તેનો નિર્ણય લાવીશું તેવી વાત કરવામાં આવી હતી. જોકે, તે નિર્ણય ન આવતા આખરે આજે NSUI દ્વારા સત્તાધીશોના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. પૂતળાનું દહન કરવા પહોંચેલા NSUI કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરી પોલીસ વેનમાં બેસાડ્યા હતા. આખરે પોલીસના જવાન પૂતળું લઈ ભાગવામાં સફળ રહ્યા હતા.
આ અંગે ફતેગંજ પોલીસ મથકના પી.આઇ. અજય એમ ગઢવીએ જણાવ્યું હતું કે, હાલમાં અમે ડિટેલ કર્યા છે. તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, તેથી તેઓની અટક કરવામાં આવી છે. પૂતળાનું દહન કરે તે પહેલાં લઈ લેવામાં આવ્યું છે અને 10 કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યું છે.