- ગોરવા શાકમાર્કેટમાં 160 જેટલા ઓટલાઓ પૈકી 100 જેટલા ઓટલાઓનું ભાડું બાકી છે
- વેપારીઓએ સીલિંગ કાર્યવાહીનો વિરોધ કર્યો, કહ્યું, શાકમાર્કેટમાં ઓટલાનું ભાડૂ વધારે છે
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોરવા શાકમાર્કેટમાં ભાડું ન ભરનાર 100 જેટલા ઓટલાને સીલ કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષથી ભાડૂ બાકી હોવાથી પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગોરવા શાકમાર્કેટમાં 160 ઓટલા છે.
આજે પાલિકા તંત્ર દ્વારા ગોરવા શાકમાર્કેટમાં ભાડૂ ન ભરનાર ઓટલા ધારકોના ઓટલા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેપારીઓમા ફફડાટ વ્યાપી ગયો હતો. પાલિકાની ટીમ કાર્યવાહી માટે પહોંચતા વેપારીઓ એકઠા થઇ ગયા હતા. સીલ મારવાની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. જોકે, પાલિકા દ્વારા કોઇ દાદ આપી ન હતી અને 100 જેટલા ઓટલાઓને સીલ કરી દીધાં હતાં.
ગોરવા શાકમાર્કેટમાં કુલ 160 જેટલા ઓટલાઓ છે, જેમાંથી 100 જેટલા ઓટલાઓનું ભાડું બાકી છે. કેટલાક ઓટલાધારકોનું તો પાંચ વર્ષથી ભાડું ભરવાનું બાકી છે. આ ઓટલાધારકોમાંથી 80 ટકા જેટલાનું ભાડું લાંબા સમયથી બાકી છે. ઓટલાધારકોનું માનવું છે કે, ગોરવા શાકમાર્કેટના ઓટલાઓનું વાર્ષિક ભાડું રૂપિયા 60,000થી રૂપિયા 1.30 લાખ જેટલું છે.
વેપારી આકાશભાઇએ જણાવ્યું હતું કે, જ્યારે શહેરના અન્ય વિસ્તારો જેવા કે ખંડેરાવ માર્કેટ, પાણીગેટ, કડક બજાર જેવા વિસ્તારોમાં ઓટલાનું ભાડું ખૂબ જ ઓછું છે. જ્યારે ગોરવા શાકમાર્કેટમાં ઓટલાનું ભાડૂ વધારે છે. આથી ગોરવાના ઓટલાધારકો નિયમિત રીતે ભાડૂ ભરી શકતા નથી.
પાલિકા દ્વારા અગાઉ અનેક વખત ઓટલાઓનુ બાકી ભાડૂ ભરવા નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં ઓટલાધારકો ભાડૂ ભરતા ન હતા. પરિણામે આજે પાલિકા દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં હજી પણ બાકી ભાડા હોય તેવા ઓટલાઓને સીલ કરવાની કાર્યવાહી ચાલુ રહી શકે છે. તેમ પાલિકાના અધિકારી સુરેશ તુવરે જણાવ્યું હતું.