- વેપારીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી
- વેપારીએ જણાવ્યા મુજબ, વ્યાજખોરે કહ્યું હતું કે, મરવું હોય તો મરી જા, જેથી મેં મારી દુકાનમાં પડેલું ફિનાઈલ પી લીધું હતું, એના ત્રાસના કારણે જ મેં આ પગલું ભર્યું હતું
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા અને ખંડેરાવ માર્કેટ ખાતે ફૂટનો હોલસેલ વ્યવસાય કરતા વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વ્યાજે લીધેલા 47 લાખ રૂપિયાની સામે વેપારીએ પોણા બે કરોડ રૂપિયા વ્યાજ ચૂકી દીધુ હોવા છતાં વ્યાજખોર પૈસા માટે ધમકી આપતો હતો. જેથી આ મામલે વેપારીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.
શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ વિનાયક રેસીડેન્સીમાં રહેતા નરેશભાઇ કેસરીચંદ નેનાની (ઉ.48) એ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ખંડેરાવ માર્કેટ ખાતે એસ.કે.ફુટ અને એન.કે.ફુટ નામની દુકાનમાં ફુટનો હોલસેલ વેપાર કરી મારૂ ગુજરાન ચલાવુ છું. મેં ફુટનો વેપાર કરવા માટે 2012થી 2020 સુધીમાં સંતોષભાઇ ઉર્ફે અકુભાઈ બાબુભાઈ ભાવસાર (રહે.રાજસ્થંભ સોસાયટી, રાજમહેલ રોડ વડોદરા) પાસેથી ટુકડે ટુકડે અદાજીત 47 લાખ રૂપીયા વ્યાજે લીધા હતા, જેના બદલમાં સિક્યુરીટી પેટે તેઓએ મારી પાસેથી 10થી 12 જેટલા ચેક લીધા હતા. વ્યાજ પેટે દર મહિને હું બે ટુકડામાં સંતોષભાઈ ભાવસારને પૈસા આપતો હતો. જેમાં પહેલી તારીખે 66000 રૂપિયા તથા 15 તારીખે 67,500 રૂપિયા જેટલું વ્યાજ આપતો હતો. આમ મહિને કુલ રૂ. 1,33,500 જેટલુ વ્યાજ રોકડેથી ચુકવતો હતો. આ વ્યાજની રકમ તેઓના ઘરે આપવા માટે મારી દુકાનમાં કામ કરતા ગોવિંદભાઇ સંગાડા દ્વારા મોકલાવતો હતો. મેં બે-ત્રણ વાર ઓનલાઇન ટ્રાન્ઝકશન દ્વારા પણ વ્યાજ ચુકવ્યું છે. આમ મેં આજ દિવસ પોણા બે કરોડ જેટલી રકમ પરત આપી દીધી છે, જે રકમને તેઓ વ્યાજની રકમ ગણે છે. હું તેમને દર મહિને વ્યાજ ચુકવતો હતો. આ વર્ષે દિવાળી પછી મારે નાણાકીય તકલીફ પડતા તેઓને વ્યાજની રકમ ચુકવી શક્યો નહોતો. ત્યાર બાદ સાત-આઠ દિવસથી દરરોજ સંતોષભાઈનો મારા પર ફોન આવતો અને પૈસાની ઉઘરાણી કરતા હતા અને ગત તા. 28/11/2024ના રોજ તેઓ મારી એસ.કે.ફુટ નામની દુકાનમાં આવ્યા હતા અને અને પૈસાની માંગણી કરી મને ધાકધમકી આપવા લાગ્યા હતા અને મને કહેવા લાગ્યા હતા કે, પૈસા કરી આપ નહિતર તા. 1/11/2024ના રોજ હું દુકાન લઇ લઇશ, તેનાથી કંટાળીને મેં મારી એસ.કે.ફુટ નામની દુકાને પ્રવાહી સફેદ ફિનાઇલ પી ગયો હતો.
તે સમયે ત્યાં સંતોષભાઈ બાબુભાઈ ભાવસાર તથા મારો છોકરો પાર્થ નરેશભાઇ નેનાની તથા મારી દુકાનમાં કામ કરતા ગોવિંદભાઈ સંગાડા ત્યાં હાજર હતા. મેં ફિનાઇલ પી લેતા મારૂ બી.પી, હાઇ થઇ ગયું હતું અને મને ચક્કર આવવા લાગ્યા હતા, જેથી મારો દીકરો પાર્થ તથા ગોવિંદભાઇ સંગાડા મને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. આ પગલું મેં આર્થિક નાણાકીય તંગીના કારણે ટેન્શનમાં આવીને ભર્યું છે અને મને મારવાની ધમકીઓ આપી હતી. જેથી મેં સંતોષભાઈ ભાવસાર સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે સંતોષ ભાવસારની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
વેપારી નરેશભાઇ કેસરીચંદ નેનાનીએ જણાવ્યું હતું કે, એક મહિનો ત્યાંના આપી શક્યો એમાં એ મારી દુકાને આવી ગયો હતો અને રૂપિયા આપવા માટે દબાણ કર્યું હતું. જેથી મેં કહ્યું હતું કે, હવે મારે મરી જવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. જેથી એને મને કહ્યું હતું કે, મરવું હોય તો મરી જા. જેથી મેં મારી દુકાનમાં પડેલું ફિનાઈલ પી લીધું હતું. એના ત્રાસના કારણે જ મેં આ પગલું ભર્યું હતું.
એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, વેપારીએ કરેલા અભ્યાસના કેરામાં આરોપી સતીશ ભાવસારની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી સતીશ ભાવસાર પાસે નાણા ધીરધારનું લાયસન્સ પણ નહોતું. જેથી મને લોન્ડરિંગનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરેલી છે.