- પોલીસે અલગ-અલગ જાણીતી બ્રાન્ડ તેમજ અન્ય કંપનીઓનો ડુપ્લીકેટ ભરેલ સીલબંધ નાની-મોટી બોટલો મળી કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા કુમેદાન ફળીયામાં રેડ કરી નકલી ઓઇલ બનાવતી મિની ફેકટરી સાથે બે ઇસમોની ધરપકડ કરી છે. આ સાથે 6 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત કર્યો છે.
વડોદરા શહેરમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ રોકવા એસઓજી પી.આઈ. વિ. એસ. પટેલના માર્ગદર્શન અને ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે શહેર વિસ્તાર પેટ્રોલીગમાં રહી ડુપ્લીકેટ ચીજવસ્તુનું બ્રાન્ડેડ તરીકે વેચાણ કરતા હોય તેવા ઈસમો પર વોચ રાખી અને કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ છે, ત્યારે વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ને બાતમી મળી હતી કે, શહેરના રાજમહેલ રોડ, કુમેદાન ફળીયામાં અકબરી મસ્જીદ પાસે આવેલ મકાનમાં બીજા માળે ઘરે લુઝ ઓઈલમાંથી જુદી-જુદી બ્રાન્ડેડ ઓઈલ કંપનીના નામના સ્ટીકરો લગાડી મશીનથી સીલબંધ કરી બોટલો તૈયાર કરવામાં આવી રહી છે. આ ડુપ્લીકેટ ઓઈલ ભેંસવાડામાં ટ્રસ્ટની પાસેથી ભાડેથી રાખેલ ગોડાઉનમાં રાખી માર્કેટમાં તેનું વેચાણ કરવામાં આવે છે.
આ બાતમી આધારે અહીં રેડ કરતા આરોપી મોહસીન મસકવાલાને તેના રહેણાંક મકાનમાં જાણીતી કંપનીના અલગ-અલગ બ્રાન્ડેડ ઓઈલ કંપનીના નામે ડુપ્લીકેટ ઓઈલ બનાવતી મિની ફેકટરી સાધન સામગ્રી તેમજ ભેંસવાડા ખાતેના ગોડાઉનમાં યાસીન મસકવાલાને ડુપ્લીકેટ ઓઈલનું વેચાણ કરતા રંગે હાથ ઝડપી પાડયો હતો.
એસઓજી દ્વારા તપાસ કરતાં અલગ-અલગ જાણીતી બ્રાન્ડ તેમજ અન્ય કંપનીઓનો ડુપ્લીકેટ ભરેલ સીલબંધ નાની-મોટી બોટલો તેમજ પાઉચ નંગ- 2008 જેની કિંમત રૂપિયા 4,99,133, લુઝ ઓઈલ 1065 લીટર જેની કિંમત રૂપિયા 74,310, સીલ કરવા માટેનું મશીન નંગ-1 જેની કિંમત રૂપિયા 10,000 સાથે ખાલી બોટલો તેમજ અલગ-અલગ બ્રાન્ડના સ્ટિકર્સ તેમજ મોબાઈલ ફોન અને અન્ય ચીજ-વસ્તુ મળી કુલ કિંમત રૂપિયા 6,19,223નો મુદ્દમાલ કબજે કર્યો હતો.
એસઓજી દ્વારા મોડી રાત્રિ સુધી કાર્યવાહી કરી હતી. જેમાં આરોપી મોહસીન યાકુબભાઈ મસકવાલા (ઉં.વ.36) અને યાસીન યાકુભાઈ મસકવાલા (ઉં.વ.32 બન્ને રહે.કુમેદાન ફળિયા, રોડનો ખાંચો, અકબરી મસ્જીદ પાસે, રાજમહેલ રોડ, વડોદરા)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઈસમો દ્વારા મિની ફેકટરી ઉપરાંત સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગોડાઉન રાખી મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હતો. ત્યાં પણ કાર્યવાહી ચાલી હતી અને મોટી માત્રામાં એસઓજી દ્વારા ડુપ્લીકેટ ઓઇલ વેંચતા બન્ને ઈસમો વિરુદ્ધમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.