ફતેગંજ સદર બજારમાં પાણીની લાઈનમાં લીકેજ થતા લાખો લિટર પાણી ગટરમાં વહી ગયું

પાણીની લાઇનની સમારકામની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું!

MailVadodara.com - Millions-of-liters-of-water-flowed-into-the-sewer-due-to-a-leak-in-the-water-line-in-Fatehganj-Sadar-Bazaar

- સ્થાનિક રહીશે કહ્યું, લાઇનમાં ભંગાણ પડતાં પાણી મકાનોના દાદર સુધી પહોંચી ગયા હતા

- 15 દિવસથી ખોદેલા ખાડાના કારણે દુકાનોમાં આવતા ગ્રાહકો પણ આવી શકતા નથી

વડોદરા શહેરના ફતેગંજ સદર બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા લોકોને સતાવી રહી છે. ત્યારે આજે પાણીની લાઈનમાં લીકેજ થતા લાખો લિટર પાણી રોડ પર ગટરમાં વહી ગયું હતું. નોંધનીય છે કે, પાણીની લાઇનની કામગીરી દરમિયાન પાણીની લાઇન લીકેજ થઇ હતી.

મળેલી માહિતી પ્રમાણે ફતેગંજ સદર બજાર વિસ્તારમાં પાણીની લાઇનની સમારકામની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી ગટરમાં વહી રહ્યું છે. ફતેગંજ વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટર ન હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. એતો ઠીક પાણીની ટેન્કરો મંગાવવી મુશ્કેલ થઇ ગઇ છે.

સદર બજારમાં રહેતા સંજયભાઇ મોદીએ જણાવ્યું હતું કે, પંદર દિવસ પહેલાં ડ્રેનેજ મિશ્રીત કાળું પાણી આવતું હતું. જે અંગે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરી હતી. રજૂઆત બાદ પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, ફોલ્ટ હજુ શોધી શકાયો છે કે નહીં તેની ખબર નથી. પરંતુ, આ કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા દુષિત પાણીનો ફોલ્ટ શોધવા માટે ખોદેલી લાંબી લાઇનમાં પાણી ભરાઇ ગયું હતું.

છેલ્લા પંદર દિવસથી આ કામગીરી ચાલી રહી છે. જેના કારણે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. પાણી માટે કાઉન્સિલર રૂપલ મહેતાને ફરિયાદ કરતાં એક ટેન્કર મોકલી હતી. જે લોકોને સંપર્ક છે તે લોકો પાણીની ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. છતાં પાણી પુરતા પ્રમાણમાં મળી રહ્યું નથી અને બીજી બાજુ આડેધડ કામગીરીથી લાખો લિટર પાણી ગટરમાં વહી ગયું છે.

સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ પડતાં પાણી લોકોના મકાનોના દાદર સુધી પહોંચી ગયા હતા. 30 જેટલા મકાનોની બહાર પાણીની લાઇની કામગીરી માટે ખોદાયેલા ખાડાઓના કારણે દુકાન ધારકોના વ્યવસાય ઉપર અસર પડી રહી છે. છેલ્લા પંદર દિવસથી ખોદેલા ખાડાના કારણે દુકાનોમાં આવતા ગ્રાહકો પણ આવી શકતા નથી. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

Share :

Leave a Comments