- લાઈનમાં ભંગાણ પડતાં માર્ગ ઉપર નદી વહેતી થઈ હોય તેવા દૃશ્યો જોવા મળ્યા
- લાઈન લીકેજની આસપાસ બેરીકેટિંગ કરાયું, વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી
વડોદરા શહેરના પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. આજે શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ અકોટા તરફ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી વહી ગયું હતું. રોડ ઉપર પાણી ફરી વળતા વાહનચાલકોને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. પાલિકા દ્વારા પાણી બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં પાલિકા તંત્ર લોકોને પીવાનું પાણી આપવા માટે તદ્દન નિષ્ફળ નિવડ્યું છે. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડવાનો દર યથાવત્ જોવા મળી રહ્યો છે. તેવામાં ફરી એક વખત પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. અકોટા-દાંડિયા બજારથી અકોટા જતા બ્રિજ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું.
પીવાના પાણીની મુખ્ય લાઈનમાં લીકેજ થતા ફુવારા ઉડ્યા હતા. જેના કારણે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો. લાઈનમાં ભંગાણ પડતાં માર્ગ ઉપર નદી વહેતી થઈ હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ લાઈન લીકેજની આસપાસ બેરીકેટિંગ કરવામાં આવ્યું હતું, તો વાહનચાલકોને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી.