- પોલીસે ગાંજો અને મુદ્દામાલ મળીને કુલ 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
- ગાંજાનો જથ્થો કોને મોકલાવ્યો હતો અને કોને આપવાનો હતો, એ દિશામાં હરણી પોલીસે તપાસ શરૂ કરી
વડોદરા નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઈવે પર કમ્ફર્ટ ઇન હોટલની પાસેથી એક આઇસર ટેમ્પોમાં ચોરખાનામાં સંતાડેલો 27 લાખ રૂપિયાની કિંમતનો 270 કિલો ગાંજાનો જથ્થો હરણી પોલીસે ઝડપી પાડ્યો છે. જો કે, ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે, જેથી આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
હરણી પોલીસ પેટ્રોલિંગમાં હતી એ સમયે પોલીસને બાતમી મળી હતી કે, એક ટેમ્પોમાં મોટી માત્રામાં ગાંજો છે, જેને આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. જ્યાં ટેમ્પો સ્થળ ઉપર મળી આવ્યો હતો, પરંતુ કોઇ ડ્રાઇવર કે અન્ય કોઇ ઇસમ હાજર મળી આવ્યો નહોંતો, જેથી ટેમ્પોની ઝડતી તપાસ કરી હતી. જેમાં ટ્રકની કેબીનની પાછળ આરોપીઓએ ચોર ખાનુ બનાવ્યું હતું.
ચોર ખાનામાંથી ગાંજાના અલગ-અલગ 45 પેકેટ મળી આવ્યા હતાં. જેની કિંમત 27 લાખ રૂપિયા હતી. જેની સાથે પોલીસે એક મોબાઇલ અને આઇશર ટેમ્પો પણ જપ્ત કર્યો હતો. પોલીસે ગાંજો અને મુદ્દામાલ મળીને કુલ 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગાંજાનો જથ્થો કોને મોકલાવ્યો હતો અને કોને આપવાનો હતો, એ દિશામાં હરણી પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ પોલીસે હાથ ધરી છે.