- મામાએ નાણાં વસૂલ કરવા માટે મકાન લખાવી લીધું હતું, જોકે ભાણેજે મકાન અને નાણાં પરત ન આપતાં ભાણેજ તેની માતા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામમાં રહેતા મામાને કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાની લાલચ આપી ભેજાબાજ ભાણેજે માતા સહિત બે વ્યક્તિની મદદ લઇ રૂપિયા 2.70 કરોડનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધાઇ છે. આ ફરિયાદમાં મામાએ ભાણેજ પાસેથી નાણાં વસૂલ કરવા માટે મકાન લખાવી લીધું હતું. પરંતુ, ભાણેજે મકાન અને નાણાં પણ પરત ન આપતાં આખરે મામાએ ભેજાબાજ ભાણેજ તેમજ મદદ કરનાર બહેન સહિત ત્રણ સામે કરજણ પોલીસ મથકમાં છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
કરજણ પોલીસ મથકમાં દર્શન વિનોદભાઇ પટેલ (રહે. કંડારી, સ્વામીનારાયણ ખડકી, કરજણ-વડોદરા)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમણે આઇટીઆઇમાં ઈલેક્ટ્રીશીયનનો અભ્યાસ કરેલો છે. તેમના માતા અમેરિકામાં રહે છે. વર્ષ 2009માં તેઓ અભ્યાસના વિઝા મેળવીને લંડન ગયા હતા અને વર્ષ 2014માં પરત ફર્યા હતા. કોરોનાકાળ બાદ તેમનો ભાણેજ અભ્યાસના વિઝા લઇને કેનેડા ગયો હતો. ત્યાર બાદ તેઓ કેનેડાના વિઝા અંગેની માહિતી એકત્ર કરતા હતા. દરમિયાન દર્શનને બહેન દિવ્યાંગીએ જણાવ્યું કે, કેનેડા જવા માટે વિઝીટર ટુ વર્ક પરમીટ વિઝા થાય છે, આ કામ મારો દીકરો ધ્રુવકુમાર પટેલ કરે છે. તારે જવું હોય તો હું નંબર આપું. બાદમાં નંબર મળતા વિઝા અંગે વાત થઇ હતી.
ધ્રુવે મામા દર્શનને વિઝા થઇ જશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. તેની માટે તે કહે તેમ કરવા સૂચન કર્યું હતું. તે બાદ પ્રથમ રૂપિયા 15 હજાર માગવામાં આવ્યા હતા. ત્યાર બાદ અલગ અલગ સમયે ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવડાવ્યા હતા. વર્ષ 2013માં અમદાવાદથી ટોરેન્ટોની ટિકિટ માટે મોટી રકમ મોકલી હતી અને તેની ટિકિટ કોપી વ્હોટ્સએપથી મોકલી હતી. જેને એમ્બેસીમાં બતાવવાની હોવાનું જણાવ્યું હતું. જો કે, ત્યાર બાદ વિઝીટર વિઝામાં પ્રોબ્લેમ હોવાનું જણાવ્યું હતું અને નવેસરથી વર્ક પરમીટના વિઝા કરાવવા જણાવ્યું હતું. અગાઉની ટિકિટના પૈસાનું રિફન્ડ પોતાના એકાઉન્ટમાં મેળવીને પરત કરવાની બાંહેધારી પણ આપવામાં આવી હતી.
દરમિયાન વર્ક પરમીટની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્રણ મહિના બાદ દર્શનને જણાવ્યું કે, વર્ક પરમીટના વિઝામાં તકલીફ થાય તેવું છે, જેથી મામીનું નામ ઉમેરવું પડશે. બાદમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ પીડીએફ ફોરમેટમાં મગાવવામાં આવ્યા હતા અને પૈસાની ચૂકવણી કરવામાં આવી હતી. બાદમાં ધ્રુવ લગ્નપ્રસંગમાં ભાગ લેવા માટે સ્વદેશ આવતા બંનેની મુલાકાત થઇ હતી. તે સમયે પણ તેણે વર્ક પરમીટના વિઝાનું કામ થઇ ગયું હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ વર્ક પરમીટના વિઝામાં પ્રોબ્લેમ થયો હોવાનું જણાવીને બિઝનેસ વિઝાની પ્રોસેસ કરવા જણાવ્યું હતું. જે બાબતે દર્શને અલગ અલગ એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા. જેની સામે દિલ્હીથી અબુધાબી અને અબુધાબીથી ટોરેન્ટોની ટિકિટ વ્હોટ્સએપ થકી મોકલી હતી, પરંતુ તે અંગે દર્શનને શંકા જતા તેણે એર લાઇન્સના કસ્ટમર કેરમાં ફોન કરીને માહિતી મેળવી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ ટિકિટ ઇશ્યુ કરી નથી. બાદમાં દર્શને જાણ કરતા ધ્રુવે કહ્યું કે, આ ટિકિટની તમે ચિંતા ન કરો, મેં એમ્બેસીમાં મુકવા માટે ખોટી બનાવડાવી છે. અંતમાં દર્શને ફાઇલ બંધ કરવા અને અત્યાર સુધી ચૂકવેલા નાણાં પરત કરવા જણાવ્યું હતું.
જે બાદ ધ્રુવે નાણાં પાછા મળી જશે તેમ જણાવ્યું હતું. દરમિયાન તેના પિતાનું અવસાન થતા તે સ્વદેશ આવ્યો હતો. આ સમયે દર્શન તથા અન્ય પરિજનો તેને મળ્યા હતા અને બાદમાં પૈસા પરત કરવા માટેનું લખાણ લખવામાં આવ્યું હતું. જેમાં મકાનની પાવતી ટોકન તરીકે લખી આપી હતી. જો કે, ત્યાર બાદ ખોટા કાર્યમાં સામેલ પરિવારના એકપણ સભ્ય જોડે વાત થઇ શકી ન હતી. આખરે રૂપિયા 2.70 કરોડની ઠગાઇનો મામલો પોલીસ મથક પહોંચ્યો છે. આ છેતરપિંડી અંગે દર્શન પટેલે ભાણેજ ધ્રુવકુમાર ગૌરાંગભાઇ પટેલ ( રહે. 102, સુબોધનગર, દરબાર ચોકડી પાસે, માંજલપુર, વડોદરા) બહેન દિવ્યાંગીની ગૌરાંગભાઇ પટેલ અને મનાલીબેન દિપકકુમાર પટેલ (તમામ રહે. રેલવે ફાટક પાસે, માંજલપુર, વડોદરા) સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.