મકરપુરા પોલીસે ઘરફોડ ચોરીના કેસમાં રૂપિયા 12 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી

મકરપુરા પોલીસ સ્ટેશનના 2 ગુનાનો ભેદ ઉકેલાયો, 2 આરોપીને વોન્ટેડ જાહેર કરાયાં

MailVadodara.com - Makarpura-police-arrested-2-accused-with-valuables-worth-Rs-12-lakh-in-a-burglary-case

- આરોપી ચોરીના ઘરેણાં વેચવા નિકળ્યો હતો, પોલીસે કર્માસિંગ સીકલીગરની ધરપકડ કરી હતી, પોલીસે દાગીના રિકવર કરી જ્વેલર્સની પણ ધરપકડ કરી હતી

વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીના કેસમાં મકરપુરા પોલીસે 12 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે 2 વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.

વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, તરસાલી વુડાના મકનામાં રહેતો કર્માસિંગ જીવણસિંગ દુધાણી (સીકલીગર) હાઇવે પર આવેલા ઝીલીયન સ્પર્શ કોમ્પલેક્સ પાસેના રસ્તા પર બાઇક લઇને ચોરીના ઘરેણાં વેચવા નિકળ્યો છે. જેથી પોલીસની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. જ્યાં કર્માસિંગ સીકલીગરને અટકાવી તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી સોનાનું મંગળસુત્રનુ પેન્ડલ તથા પેન્ડલના નાના મણકા નંગ-6 તથા ચાંદીની જાંજરી, છડા, સોનાની કોનાની ઝુમ્મર, સોનાની કાનની સેર તથા મોબાઇલને ડીસમીસ મળી આવ્યું હતું. જેથી પોલીસે આ દાગીના અંગે તેની પાસે બિલ તેમજ પુરાવા માગતા આપી શક્યો ન હતો. મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2024માં નોંધાયેલી ઘરફોડ ચોરીની ફરીયાદમાં આજ પ્રકારના દાગીનાનું વર્ણન હોવાથી ફરીયાદીને સ્થળ પર બોલાવી દાગીનાની ખાતરી કરતા ચોરીના હોવાનું જણાયું હતું. પોલીસે આ મામલે કર્માસિંગ સીકલીગરની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવી કડકાઇથી પુછપરછ કરી હતી.

પોલીસની પુછપરછમાં કર્માસિંગે ચોરીના અન્ય દાગીના તરસાલી સ્થિત માનસી જ્વેલર્સના માલિક નરેન્દ્ર શાહ પાસે ગીરવે મુક્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે માનસી જ્વેલર્સ ખાતે તપાસ કરતા નરેન્દ્ર શાહ પાસેથી દાગીના રિકવર કરી તેની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરી 2025ની શરૂઆતમાં જ તરસાલી સ્થિત માનસી જ્વેલર્સ ખાતે વહેલી સવારે ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં અંદાજીત 35 કિલો ગ્રામ ચાંદી અને સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપતા પહેલા ટોળકીએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ઉપર કાળા રંગનો સ્પ્રે મારી દીધો હતો.

ડીસીપી ઝોન-3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં ચોરીના ગુના વધી રહ્યા હતા. જેને લઇને પોલીસ કમિશનરની સૂચનાથી નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન મકરપુરા પોલીસે આરોપી કર્માસિંગ સિકલીગર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 2.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેની પૂછપરછમાં મકરપુરા પોલીસ સ્ટેશનના 2 ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીની પૂછપરછમાં તેને ચોરી કરેલો માલ સોની વેપારી નરેન્દ્ર શાહને વેચ્યો હોવાની કબૂતાલ કરી હતી. આરોપી નરેન્દ્ર શાહને પકડીને તેની પૂછપરછ કરતા તેની પાસેથી 9.75 લાખના સોનાના દાગીના મળી આવ્યા હતા.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કર્માસિંગના ભાઈ ચંદનસિંગ અને તેનો મિત્ર ગોવિંદસિંગ એ ત્રણની ટોળકી છે. તેઓ રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરે છે. ચંદનસિંગ અને ગોવિંદસિંદને પકડવાના બાકી છે. તે બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. આરોપી કરમાસિંગનો ગુનાઇત ભૂતકાળ રહેલો છે.

Share :

Leave a Comments