- લારી-ગલ્લા શ્રમિક સંઘ દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગૂ કરવાની માંગ કરાઇ
વડોદરાના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે પાલિકા અને પોલીસ દ્વારા લારી-ગલ્લા ઉઠાવી જવાની શરૂ કરવામાં આવેલી કામગીરી સામે લારીધારકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આજે લારી-ગલ્લા શ્રમિક સંઘ પાલિકાના મેયરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગૂ કરવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રના અનુસંધાનમાં મેયર અને સ્થાયી સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે, તમામના હિતમાં વહેલી તકે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગૂ કરવાના પ્રયત્નો કરવામાં આવશે.
છેલ્લા કેટલાંક દિવસથી શહેરમાં વેપાર-ધંધો રોજગાર કરતા મધ્યમ વર્ગના લારી-ગલ્લાધારકો પર પાલિકાએ રીતસરની તવાઈ બોલાવી છે. પાલિકાની દબાણ શાખા દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના આ તમામ વેપારીઓના લારી-ગલ્લા જપ્ત કરવામાં આવી રહ્યા છે. હોળીની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં ખાનદાની નબીરાએ અકસ્માત સર્જીને એક નિર્દોષ મહિલાનો ભોગ લીધો હતો. જ્યારે અન્ય સાત વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચાડી હતી.
આ ઘટના બાદ પાલિકા દ્વારા મોડી રાત્રે પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં નિર્દોષ લારી-ગલ્લાના ધારકોનો ભોગ લેવામાં આવી રહ્યો છે. દરરોજ કમાઈને દરરોજ ખાનારા આ વર્ગના વેપારીઓને લારી-ગલ્લા હટાવી લેવાથી ભારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓની વ્યથા જાણીને વડોદરા જિલ્લા લારી-ગલ્લા શ્રમિક સંઘ (ઇન્ટુક)ના પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત અને કોંગ્રેસ કાઉન્સિલર અમી રાવતની આગેવાનીમાં આજે મેયર પિન્કીબેન સોની તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગૂ કરવા માંગ કરવામાં આવી છે.
ઇન્ટુકના પ્રમુખ નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, શહેરમાં આડેધડ દબાણ શાખાની કામગીરી સામે લારી-ગલ્લાધારકોમાં ઉકળતો ચરુ છે. સ્ટ્રીટ વેન્ડર પોલિસીને લઈને પણ પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. પાલિકાની હદમાં જ્યાં જ્યાં લારી-ગલ્લાધારકો પોતાનો ધંધો-રોજગાર કરે છે. તેઓ પાસેથી ચોક્કસ વેરો વસૂલવામાં આવે છે. જોકે, પાલિકાને મળતી આવક પૂરી મળતી નથી એવા સમયે પાલિકાના સત્તાધીશો આ ગરીબ લારી-ગલ્લાધારકો માટે વહેલી તકે ચોક્કસ પોલિસી બનાવે એવી માંગ અમારી માંગ છે.
આ અંગે મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, આ લારી-ગલ્લાની બાબતને લઈને અમો સક્ષમ અધિકારી સાથે ચર્ચા-વિચારણા કરીને ચોક્કસથી કોઈ યોગ્ય નિરાકરણ લાવીશું.
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આ પોલિસીનો અમલ કોઈપણ મહાનગરપાલિકાએ કર્યો નથી ત્યારે આ બાબતે અમે સક્ષમ અધિકારી સાથે ચર્ચા કરીને પોલિસીનું અમલીકરણ થાય તે દિશામાં કામ કરીશું. આ ઉપરાંત ચેરમેને જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા લાયસન્સ ધરાવનાર લારી-ગલ્લાધારકોને હેરાન-પરેશાન કરવામાં આવતા નથી પરંતુ, બિનઅધિકૃત રીતે દબાણ થાય તે પ્રમાણે અને ટ્રાફિકમાં અડચણ થાય તે રીતે ધંધો-રોજગાર કરતા લારી-ગલ્લાધારકોની સામે પાલિકા કાર્યવાહી કરે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવનારા સમયમાં પાલિકાના કમિશનર સાથે ચર્ચા કરીને આ ગંભીર વિષય ઉપર અસરકારક કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવશે અને જે પ્રકારે ઇન્ટુક દ્વારા આજે રજૂઆત કરવામાં આવી છે તે રજૂઆત અંગે સકારાત્મક અભિગમ દાખવવામાં આવશે.