- તસ્કરોએ ગામની સીમમાં બોક્સમાંથી દાગીના કાઢી ફેંકી દીધા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથક વિસ્તારમાં આવેલા દોડકામાં બે કલાકના સમયગાળામાં 5 ઘરોના તાળા તૂટતા હાહાકાર મચી ગયો હતો. ગામમાં ત્રાટકેલા તસ્કરોએ તમામ ઘરોમાંથી કુલ મળીને રૂપિયા 14.14 લાખના સોના-ચાંદીના દાગીના, રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરો ગામની સીમમાં બોક્સમાંથી દાગીના કાઢી ફેંકી દેવામાં આવેલા બોક્સ મળી આવ્યા હતા. આ બનાવ અંગે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
ભાદરવા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરિયાદી ધૃવેશકુમાર ધર્મેન્દ્રભાઇ પટેલ (રહે. દોડકા, વડોદરા) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે 10, એપ્રિલ ગુરૂવારે મળસ્કે 3.30થી 5.30ના ગાળામાં દોડકામાં તસ્કરોએ મોટા હાથફેરાનો અંજામ આપ્યો છે. બે કલાકના ગાળામાં ફરિયાદી સહિત નારાયણગીરી વિઠ્ઠલગીરી ગોસ્વામી, સંજયગીરી ગોસ્વામી, રમણભાઇ રાઠોડ, અલ્પેશભાઇ પ્રજાપતિ, મળીને પાંચ મકાનના તાળા તૂટ્યા છે. આ મોટા હાથફેરામાં તિજોરી-લોકરમાંથી સોના-ચાંદીના ઘરેણા મળીને કુલ રૂપિયા 14.14 લાખની મત્તા તસ્કરો ઉઠાવી ગયા છે. ઘટનાને પગલે પંથકમાં તસ્કરોનો હાહાકાર સામે આવ્યો છે. જેને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ધ્રૃવેશ પટેલે જણાવ્યું હતું કે, દોડકા ગામમાં સીસીટીવી છે, પરંતું તેમાં તસ્કરોની અવર-જવર દેખાતી નથી. ચોરી બાદ તમામ ઘરોની તિજોરીનો સામાન વેરવિખેર કરી દીધો હતો. આ મામલે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તસ્કરો મકાનોમાંથી સામાનની ચોરી કર્યા બાદ ગામની સીમમાં કિંમતી મુદ્દામાલ કાઢી દાગીનાના ખાલી બોક્સ ફેંકી ફરાર થઇ ગયા હતા. તસ્કરો બાઇક ઉપર આવ્યા હોય તેવું માનવામાં આવે છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.