- પોલીસે સ્થળ પરથી દારૂની પેટીઓ ઉપરાંત ટેમ્પો વાહન 10 લાખ, મોબાઇલ ફોન 50,000 અને ઈલેક્ટ્રિક મોટરો 29,50,373 મળી કુલ રૂપિયા 54,90,753નો મુદામાલ જપ્ત કર્યો
- પોલીસે દારૂના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી જ્યારે અંધારાનો લાભ લઇ ફરાર ટ્રક ચાલક અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા
વડોદરા જિલ્લાના પાદરાના વડુ પોલીસ સ્ટેશનની ટીમે નાકાબંધી દરમિયાન લાકડાના બોક્સની આડમાં લઇ જવાતો રૂપિયા 14.65નો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે દારૂના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી છે. જ્યારે ટ્રક ચાલક અને બુટલેગર ફરાર થઇ જતાં પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
મળેલી માહિતી પ્રમાણે વડુ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે ગુપ્ત માહિતીના આધારે તા. 21 એપ્રિલની મધરાતે મુવાલ ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમ્યાન મોડી રાતના સમયે અશોક લેલન્ડ ટેમ્પો શંકાસ્પદ રીતે પસાર થતું જોવા મળતાં પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરીને તેને સીલ્ચર કંપની નજીક રોકી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ટેમ્પોમાં લાકડાના ક્રેટ્સમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જુદા જુદા બ્રાંડની નાની મોટી ટોટલ 6144 દારૂની બોટલોથી ભરેલી પેટીઓ અંદાજીત કિંમત રૂપિયા 14,65,380 કબજે કરી છે. આરોપીઓ હરિયાણામાંથી દારૂ લાવી, તેને ઈલેક્ટ્રિક મોટરોના ટ્રાન્સપોર્ટની આડમાં ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ટેમ્પોનો ડ્રાઈવર અંધારાનો લાભ લઇને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જ્યારે ટેમ્પોમાં હાજર એક મહિલા આરોપી સોનલ ભદ્રસિંહ ઠાકોર, (રહે.135, પ્રીન્સ એન્ડ પ્રિન્સ વિલા, ન્યુ અલકાપુરી ગોત્રી સેવાસી રોડ, વડોદરા) ને પોલીસે ઝડપીને કસ્ટડીમાં લીધી છે. જયારે ટ્રક ચાલક જેના નામની ખબર નથી અને બુટલેગર યતીન ઉર્ફે યતો ઉન્દેસિંહ ચૌહાણ ( રહે.મુવાલ, તા.પાદરા) ફરાર થઇ ગયા હતા.
પોલીસે સ્થળ પરથી જે મુદામાલ કબજે કર્યો તેમાં દારૂની પેટીઓ ઉપરાંત ટેમ્પો વાહન રૂપિયા 10 લાખ, મોબાઇલ ફોન રૂપિયા 50,000 અને ઈલેક્ટ્રિક મોટરો રૂપિયા 29,50,373 મળી કુલ રૂપિયા 54,90,753 નો મુદામાલ જપ્ત કર્યો છે. આ અંગે વડુ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.