- ફાયરબ્રિગેડે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો
વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં મોડી રાત્રે સરૈયાની દુકાનમાં ભીષણ આગ લાગતા ફાયરબ્રિગેડ દ્વારા ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે ઘટનામાં લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર ગતરોજ મોડી રાત્રે માંડવી વિસ્તારમાં આવેલા સરૈયા નાથાલાલ એન્ડ સન્સની દુકાનમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જ્યારે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દેતા ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. દુકાનમાં આયુર્વેદિક વનસ્પતિનો સુકો જથ્થો ભરેલો હતો. જે જથ્થામાં આગ લાગતા સમગ્ર દુકાન આગની લપટોમાં ઘેરાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થાનિક લોકોની મદદથી દુકાનનું શટર ખોલી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જ્યાં દુકાનની તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. દુર્ઘટનામાં ફાયર બ્રિગેડ દ્વારા લાખોનું નુકસાન થયું હોવાનું આંકવામાં આવ્યું છે.