- બેડ, લોકર અને ફાઈબરની કેટલીક વસ્તુઓ સળગી ગઈ, ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો
વડોદરા શહેરમાં ગત રોજ ધામધૂમથી શિવરાત્રિ પર્વની ઉજવણી ચાલી રહી હતી. બીજી તરફ મોડી રાત્રે કારેલીબાગ વિસ્તારમાં આવેલ કોર્પોરેશનના સ્વિમિંગ પૂલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અહીં મૂકવામાં આવેલા બેડ, લોકર અને ફાઈબરની કેટલીક વસ્તુઓ સળગી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ આગની ઘટનાબાદ આજે સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગત રાત્રે અંદાજે 10 વાગ્યાના સુમારે જીગર રાજપૂત શિવજી કી સવારીમાંથી પરત જઈ રહ્યા હતા. તેઓ કારેલીબાગ વિસ્તારમાં આવેલ સ્વિમિંગ પૂલ પાસેથી પસાર થતા હતા, ત્યારે તેમણે સ્વિમિંગ પૂલની અંદર આગ લાગેલી હોવાનું જોયું હતું.
જેથી તેઓ સ્વિમિંગપુલ ખાતે જઈ જોતા એમાં ત્રણ વ્યક્તિઓ અંદર હતા, પરંતુ તેઓને આગ અંગે કશું માલુમ ન હતું! જેથી તેમણે સ્વિમિંગ પૂલમાં હાજર સિક્યુરિટી સ્ટાફ સહિતનાઓને ઘોંઘાટ કરી, દરવાજા પછાડી ઉઠાડ્યા હતા અને સાથોસાથ ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને પાણીમારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ બનાવ મામલે પાલિકાના ટુરિસ્ટ વિભાગના અંકુશ ગરુડે જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે બનાવનું ચોક્કસ કારણ જાણવા હાલ આજે સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા અહીં તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શિવરાત્રીના કારણે ગતરોજ સ્વિમિંગ પૂલ બંધ હતો જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.