- યુનિક મર્કેન્ટાઇલ સહિતની કંપનીઓમાં રોકાણકારોએ નાણાં જમા કરાવ્યા
- કારેલીબાગ હીરાવતી ચેમ્બર્સ સહિતની ઓફિસો બંધ કરી રોકાણકારો સાથે વિશ્વાસઘાતનો આરોપ
વડોદરામાં પાકતી મુદતે ઊંચા વ્યાજ સાથે નાણાં પરત આપવાની લાલચ આપી રોકાણકારો સાથે 97.11 લાખથી વધુની છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો છે. યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ સહિતની કંપનીઓના સંચાલકોએ રોકાણકારોનો વિશ્વાસ કેળવી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ મુદ્દલ કે વ્યાજ ચૂકવ્યા વિના ઓફિસો બંધ કરી દેતાં વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ગુનો નોંધાયો છે.
ફરિયાદીના 84.66 લાખ અને તેની સાથેના સુરેશચંદ્ર સીતારામ ચૌહાણના 12.45 લાખ મળી કુલ 97.11 લાખનું રોકાણ તારીખ 15 ફેબ્રુઆરી 2017થી 20 એપ્રિલ 2021 દરમિયાન કરવામાં આવ્યું હતું. રોકાણકારોએ યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ, યુનિક સંવય મલ્ટી પર્પઝ કો.ઓ. સોસાયટી તેમજ વિક્ટ્રી સ્કાય ઇન્ટરપ્રાઇઝ એન્ડ ઓપરેટર એલ.એલ.પી. કંપનીમાં નાણાં જમા કરાવ્યા હતા. પાકતી મુદતે નાણાં મેળવવા ફરિયાદીએ કારેલીબાગ સ્થિત હીરાવતી ચેમ્બર્સની ઓફિસમાં અસલ એફ.ડી. પાવતીઓ જમા કરાવી તેની પહોંચ પણ મેળવી હતી, છતાં કંપની દ્વારા રકમ ચૂકવવામાં આવી નહોતી.
નાણાં પરત ન મળતાં ફરિયાદી અવારનવાર નાણાંની ઉઘરાણી માટે કારેલીબાગ સ્થિત હીરાવતી ચેમ્બર્સ તેમજ અમદાવાદ આશ્રમ રોડ પર દિનેશ હોલ નજીક આવેલા વિશાલ કોમર્શિયલ સેન્ટર અને યુનિયન બેન્ક સામેના યુનિક હાઉસ સ્થિત ઓફિસો પર ગયા હતા. જોકે, તમામ સ્થળોએ કંપનીની ઓફિસો બંધ હાલતમાં મળી આવી હતી અને સંચાલકો દ્વારા નાણાંની ચૂકવણી કરવામાં આવી નહોતી.
આ મામલે યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડના ડાયરેક્ટર રાજકુમાર કૈલાશરાય, રાહુલ રાજકુમાર રાય, ઉત્કર્ષ રાજકુમાર રાય, ઉષા રાજકુમાર રાય (તમામ રહે. મકાન નં. 9, પાર્ક એવન્યુ, ગુલાબ ટાવર, થલતેજ, અમદાવાદ) તેમજ અનુભવ મહેન્દ્ર તિવારી સહિત સંબંધિત કંપનીઓના જવાબદાર વ્યક્તિઓ સામે રોકાણકારોના નાણાં ઓળવી જઈ વિશ્વાસઘાત કરવા બદલ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


