સોમા તળાવ ઝૂંપડપટ્ટીમાંથી 1 લાખથી વધુના ગાંજા સાથે એક ઝડપાયો; સુરતનો સપ્લાયર વોન્ટેડ જાહેર

ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો

MailVadodara.com - One-person-caught-with-ganja-worth-over-1-lakh-in-Soma-Talav-slum-Surat-based-supplier-declared-wanted

- આરોપી પાસેથી 1,06,025ની કિંમતનો 2 કિલો 180.05 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન, રોકડા, પ્લાસ્ટિકની થેલીઓ અને પ્લાસ્ટિક-એલ્યુમિનિયમના 5 ટબ મળી 1,10,525નો મુદ્દામાલ જપ્ત

વડોદરામાં નશાના કારોબારને ડામી દેવા અને યુવાધનને બરબાદીના માર્ગે જતું અટકાવવા માટે પોલીસ સત્તત કાર્યવાહી કરતી હોય હે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે સોમા તળાવ ઝૂંપડપટ્ટી ખાતે પતરાવાળા ઝૂંપડામાં દરોડો પાડી ગાંજાનું છૂટક વેચાણ કરતા એક શખ્સને 1 લાખથી વધુની કિંમતના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ઘટનાની વિગત મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એસ.એમ.ગામેતી અને ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હ્યુમન સોર્સ આધારે બાતમી મળી હતી કે, સોમા તળાવથી તરસાલી તરફ જતા બ્રિજ પહેલાં આવેલી ઝૂંપડપટ્ટીમાં પતરાવાળા મકાનમાં રહેતો ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ નામનો શખ્સ ગાંજો મંગાવીને છૂટક વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર રેડ કરી આરોપી ચિરાગ પટેલ (ઉં.વ. 45)ને ઝડપી લીધો હતો.

પોલીસે ઝૂંપડામાં સઘન તપાસ કરતા પલંગની વચ્ચે છુપાવેલા પ્લાસ્ટિકના ડબ્બા તેમજ થેલીમાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો, જેની ખરાઈ કરતા તે ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે આરોપી પાસેથી 1,06,025ની કિંમતનો 2 કિલો 180.05 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન, અંગઝડતીમાંથી રોકડા તેમજ પેકિંગ માટે વપરાતી નાની પ્લાસ્ટિકની થેલીઓ અને પ્લાસ્ટિક-એલ્યુમિનિયમના 5 ટબ મળી કુલ 1,10,525નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ઝડપાયેલા આરોપી ચિરાગ પટેલની પૂછપરછ કરતા તેણે આ ગાંજાનો જથ્થો સુરતના ભેસ્તાન ખાતે રહેતા જીગ્નેશ ઉર્ફે ચીકન પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે ગાંજો સપ્લાય કરનાર જીગ્નેશ ઉર્ફે ચીકનને વોન્ટેડ જાહેર કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા અને વોન્ટેડ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે વાડી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

Share :

Leave a Comments