- મોટનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો, દૂધ-જળથી અભિષેક કરી દર્શન કર્યા, કાશી વિશ્વનાથ સહિત સુપ્રસિદ્ધ મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
સંસ્કારી નગરી વડોદરામાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારની ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ શહેરના સુપ્રસિદ્ધ શિવ મંદિરો જેવા કે મોટનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ, સિદ્ધનાથ અને રણમુક્તેશ્વર મહાદેવ ખાતે `હર હર મહાદેવ' અને `ઓમ નમઃ શિવાય'ના નાદ સાથે શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
વહેલી સવારથી જ ભક્તો શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક તેમજ બિલિપત્ર અને આંકડાના પુષ્પો અર્પણ કરવા માટે શિસ્તબદ્ધ રીતે લાંબી લાઈનોમાં જોડાયા હતા. શ્રાવણ માસ નિમિત્તે વિવિધ મંદિર ટ્રસ્ટો દ્વારા રુદ્રાભિષેક અને સાંજે વિશેષ શૃંગાર દર્શનના આયોજનો કરવામાં આવ્યા છે. ભીડને નિયંત્રિત કરવા મંદિરોમાં બેરિકેડિંગ અને સુરક્ષાનો વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હરણી સ્થિત નવનાથ મહાદેવ પૈકી સુપ્રસિદ્ધ સ્વયંભૂ શ્રી મોટનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પહોંચ્યા હતા. શિવભક્ત અતુલ ગામેચીએ જણાવ્યું કે, અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગના દર્શન પાંડવોએ પણ કર્યા હતા. સવારે 7 વાગ્યાથી જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આવીને દૂધ અને જળથી મહાદેવનો જળાભિષેક કરી દર્શનનો લાભ લઈ રહ્યા છે અને `હર હર મહાદેવ'ના નારા લગાવી રહ્યા છે.
આ અંગે મોટનાથ મહાદેવ મંદિરના પૂજારી રિતેશગિરીએ જણાવ્યું કે, પવિત્ર શ્રાવણ માસ એ ભગવાન શિવનો અત્યંત પ્રિય મહિનો છે અને સોમવારની શરૂઆત સાથે જ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વટપત્રક નગરી (વડોદરા)ના ઉત્તર સીમાડે આવેલી હિરણ્યાક્ષ નગરી એટલે કે આજના હરણી ગામમાં નવનાથના મોટાભાઈ સમાન શ્રી મોટનાથ મહાદેવ સ્વયં પ્રગટ થયા છે, જે યુગો પુરાણું અને અતિ પવિત્ર ધામ છે.
વધુમાં કહ્યું કે, મોટનાથ મહાદેવ દરેક ભક્તજનો, વડોદરાવાસીઓ, ભારતવાસીઓ સહિત સમગ્ર વિશ્વના તમામ લોકોની સુખ-સુવિધા, સમૃદ્ધિ અને ઐશ્વર્યમાં વૃદ્ધિ કરે તેવી મંગલ પ્રાર્થના કરવામાં આવી છે.


