- શિવસેનાએ એડિશનલ પોલીસ કમિશનરને રજૂઆત કરીને કડક કાર્યવાહીની માગ કરી
- સમગ્ર ઘટનાના વીડિયો મંગાવ્યા છે, સમગ્ર આ મામલાની તપાસ ડીસીપી કક્ષાના અધિકારી કરશે અને રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે સાથે પીડિત મહિલાઓના પણ નિવેદન લેવામાં આવશે ઃ એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ
વડોદરા શહેરના સમા વિસ્તારમાં પાણી મુદ્દે વિરોધ કરી રહેલા આધેડ અને વૃદ્ધ મહિલાઓ-પુરુષો સાથે પોલીસે ઝપાઝપી કરી હતી અને ટીંગાટોળી સાથે તેમની અટકાયત કરી હતી. પોલીસના ઉદ્ધતાઈભર્યા વર્તનથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો. આ મુદ્દે આજે શિવસેનાએ એડિશનલ પોલીસ કમિશનરને રજૂઆત કરીને કડક કાર્યવાહીની માગ કરી હતી.
શિવસેનાના ઉપપ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પાણીના મુદ્દે લોકો આંદોલન કરી રહ્યા હતા તેમની સાથે પોલીસે ગુનેગારો જેવું વર્તન કર્યું હતું. લોકો પાલિકાને ટેક્સ ચૂકવે છે તેની સામે સુવિધાની માંગણી કરી રહ્યા હતા, લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા. તો પોલીસે દમન ગુજારવાની શું જરૂર હતી?, કોના ઇશારે આ પ્રકારની કામગીરી થઈ?, એવું તો કોનું પ્રેશર આવ્યું, કે પોલીસે સામાન્ય જનતા સાથે ગુનેગારો કરતા પણ વધારે ખરાબ વર્તન કર્યુ. આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષે તપાસ થાય તેવી અમે આજે માંગણી કરી છે.
વડોદરા શહેર શિવસેનાના પ્રવક્તા દીપક પાલકરે જણાવ્યું હતું કે, લોકો વેરો ભરે છે તો તેમને બે ટાઈમ ચોખ્ખું અને સમયસર પાણી મળવું જોઈએ. લોકો આ મુદ્દે વિરોધ કરે તો તેમની પર હિટલરશાહી કરવામાં આવે છે, ભાજપ પોલીસને હાથો બનાવે છે. મહિલાઓને ખેંચી ખેંચીને લઈ જવામાં આવી હતી તે શું રીઢા ગુનેગાર છે? આમ અમને કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી માંગણી છે. ભાજપને વોટ આપ્યો છે તે લોકોનો વાંક છે. મારી વડોદરા શહેરના લોકોને અપીલ છે કે તમે હવે જાગી જાઓ નહીં તો તમે ઘરમાં પણ વિરોધ કરશો તો આ લોકો તમને ઉઠાવી જશે.
પ્રવર્તમાન ઉનાળાની ઋતુમાં પાણીની જરૂરિયાત વધુપડતી હોવા છતાં પણ લોકોનો પાણીનો પ્રશ્ન હલ થતો ન હોવાથી તેમનામાં ભારે રોષ હતો. સ્થાનિક લોકોને વેચાતું પાણી લાવીને પીવાનો વખત આવ્યો હતો. આમ છતાં પણ તંત્ર દ્વારા પાણીનો પ્રશ્ન હલ કરવામાં ન આવતાં આજે ચાર સોસાયટીનાં મહિલા-પુરુષો, સામાજિક કાર્યકરો અને કોંગ્રેસના અગ્રણી જિતેન્દ્ર ઉર્ફે પપ્પુ સોલંકીની આગેવાનીમાં મૌન રેલી કાઢીને માટલા સાથે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
મૌન રેલીને પગલે વોર્ડ ઓફિસ બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે ખાલી માટલાં સાથે જોડાયેલી મહિલાઓ અને પુરુષોની રેલીને વોર્ડ ઓફિસ તરફ જતાં અટકાવી દીધી હતી તેમજ મહિલાઓ અને પુરુષો સાથે પોલીસે આરોપીઓ જેવું વર્તન કર્યું હતું. આધેડ મહિલાઓ અને વૃદ્ધાઓ સાથે પોલીસે ખેંચતાણ કરી હતી અને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી દીધાં હતાં. એ સાથે પુરુષોને પણ પોલીસે અટકાયત કરીને રેલીને વિખેરી નાખી હતી.
બીજી તરફ એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે, અમે સમગ્ર ઘટનાના વીડિયો મંગાવ્યા છે અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. સિનિયર અધિકારી સમગ્ર આ મામલાની તપાસ કરશે, જે અધિકારીએ ગઈકાલે કાર્યવાહી કરી તે યોગ્ય હતી કે કેમ તેની તપાસ થશે. ડીસીપી કક્ષાના અધિકારી મામલાની તપાસ કરશે. ક્યાં ચૂક રહી ગઈ તે દિશામાં તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે સાથે પીડિત મહિલાઓના પણ નિવેદન લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મહાકાળી સોસાયટી, આમ્રપાલી સોસાયટી, સચ્ચિદાનંદ સોસાયટી અને રાધાનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી પૂરતા પ્રેશરથી આવતું ન હોવાથી સ્થાનિક લોકો દ્વારા અનેક વખત બોર્ડ ઓફિસમાં અને સ્થાનિક ભાજપનાં ચાર કાઉન્સિલર ભાણજી પટેલ, રશ્મિકાબેન વાઘેલા, વર્ષાબેન વ્યાસ અને મહાવીરસિંહ રાજપુરોહિતને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પાણીનો પ્રશ્ન હલ ન થતાં ચાર સોસાયટીનાં મહિલા-પુરુષો, સામાજિક કાર્યકરો અને કોંગ્રેસના અગ્રણી જિતેન્દ્ર ઉર્ફે પપ્પુ સોલંકીની આગેવાનીમાં મૌન રેલી કાઢીને માટલાં સાથે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલીને પગલે વોર્ડ ઓફિસ બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે ખાલી માટલાં સાથે જોડાયેલી મહિલાઓ અને પુરુષોની રેલીને વોર્ડ ઓફિસ તરફ જતાં અટકાવી દીધી હતી તેમજ મહિલાઓ અને પુરુષો સાથે પોલીસે આરોપીઓ જેવું વર્તન કર્યું હતું. આધેડ મહિલાઓ અને વૃદ્ધાઓ સાથે પોલીસે ખેંચતાણ કરી હતી અને ટીંગાટોળી કરીને પોલીસવાનમાં બેસાડી દીધાં હતાં. એ સાથે પુરુષોને પણ પોલીસે અટકાયત કરીને રેલીને વિખેરી નાખી હતી.