- ભરતીમેળામાં ધો.10 પાસ, 12 પાસ અને આઈટીઆઈના અનુભવી-બિન અનુભવી ઉમેદવારો માટે તક ઉભી કરાઇ
- આઈટીસી બિલ્ડિંગ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી ખાતે કાર્યક્રમ યોજયો હતો
વડોદરામાં મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગારની કચેરી ખાતે રોજગાર ભરતીમેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈટીસી બિલ્ડિંગ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી ખાતે સવારે 10 વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થયો હતો.
ભરતીમેળામાં ધોરણ 10 પાસ, 12 પાસ અને આઈટીઆઈના અનુભવી તેમજ બિન અનુભવી ઉમેદવારો માટે તક ઉભી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાની 7 કંપનીઓએ 190 જગ્યાઓ માટે 70 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા. જેમાંથી 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી.
ભરતીમેળામાં એપોલો ટાયર, પટેલ હીટર એન્ડ કંટ્રોલ, ઔમ એન્જીનીયરીંગ વર્ક, અક્ષાલ્ટા કોટીંગ સિસ્ટમ, હેમિલ્ટન હાઉસવેર, ટીટીકે પ્રેસ્ટીજ, ઇનોરસિસ સર્વિસ અને રિલાયન્સ નિપ્પોન લાઈફ ઇન્સ્યુરન્સ જેવી કંપનીઓ સહભાગી થઈ.
રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણે ઉમેદવારોને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ જેવી કે ઓવરસીઝ અને કરિયર ગાઈડન્સ, નિવાસી તાલીમ, PM ઇન્ટર્નશિપ અને કાઉન્સેલિંગનો મફત લાભ લેવા જણાવ્યું. તેમણે ફ્રેશર ઉમેદવારોને શીખવાના ભાવ સાથે તક ઝડપી લેવા અને શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા પોતાની ક્ષમતા સાબિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા.
બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન અને ડૉ. રેડીશ ફાઉન્ડેશનના અધિકારીઓએ સ્વરોજગાર, એન્ટરપ્રેન્યોરશિપ તાલીમ અને ફાઈનાન્સિયલ લિટરેસી અંગે માર્ગદર્શન આપ્યું. ઉમેદવારોને સોફ્ટ સ્કિલ્સ અને વોકેશનલ તાલીમ માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા.