વડોદરામાં MGVCL દ્વારા ફરી એકવાર કોમર્શિયલ જગ્યાઓ પર સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયું

સ્માર્ટ સિટી વડોદરામાં નવા વર્ષે ફરી એક વખત સ્માર્ટ વીજ મીટરોનું ભૂત ધૂણવા લાગ્યું!

MailVadodara.com - In-Vadodara-MGVCL-once-again-started-installing-smart-meters-at-commercial-premises

- દાંડિયા બજાર વિસ્તારમાં સબ ડિવિઝનમાં પુરા રોડ ઉપર આવેલી કેટલીક દુકાનોમાં નવા બીજ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ફરી એક વખત નવા વર્ષમાં નવા વીજ સ્માર્ટ વીજ મીટરોનું ભૂત ફરી ધૂણવા લાગ્યું છે. ગત વર્ષે વડોદરા શહેરના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં આ નવા સ્માર્ટ વીજ મીટરોનો ભારે વિરોધ થયો હતો. આજે દાંડિયાબજાર વિસ્તારમાં દુકાનોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા.

અગાઉ સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ લોકોએ આક્ષેપ કર્યા હતા કે, થોડા દિવસમાં જ રિચાર્જ ખલાસ થઈ જાય છે, અગાઉ જે બિલ આવતું હતું. તેની તુલનામાં આ નવા સ્માર્ટ વીજ મીટરમાં માત્ર 10-12 દિવસની અંદર જ 2000થી લઈને 2200 રૂપિયા સુધીનું રિચાર્જ પૂરું થઈ જાય છે. વર્ષ 2024ના વર્ષમાં શહેરના ફતેગંજ અકોટા તાંદલજા ગોરવા સુભાનપુરા સન ફાર્મા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં નવા સ્માર્ટ વીજ મીટરનો ભારે વિરોધ થયો હતો. દરરોજ વિવિધ વિસ્તારની પેટા વિભાગીય કચેરી ખાતે મોરચા મંડાઈ રહ્યા હતા. ઘણીવાર તો મધરાત્રિએ પણ લોકો વીજ કચેરીએ પહોંચી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચારે ચારે તરફથી શહેરમાં ઠેર ઠેર નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થતાં લોકોના ઘરોમાં વીજ મીટરો લગાવવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી.

જોકે, સત્તા આગળ શાણપણ નકામું કહેવત સાર્થક થઈ રહી છે. ત્યારે, વિવાદોના વંટોળમાં ઘેરાયેલ નવા સ્માર્ટ વીજ મીટર ફરીથી લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે દાંડિયા બજાર સબ ડિવિઝનમાં પુરા રોડ ઉપર આવેલી કેટલીક દુકાનોમાં આ નવા બીજ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં ધીમે ધીમે હવે સમગ્ર વડોદરામાં નવા સ્માર્ટ વીજ મીટરો લાગી જશે તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

Share :

Leave a Comments