વડોદરા કોર્પોરેશનમાં કરાર આધારીત 23 કર્મીઓને કાયમી કરાયા, 36 નવા ઉમેદવારોની નિમણૂક કરાઇ

મ્યુનિ. કમિશનર, મેયર સહિતન અધિકારીઓએ નવનિયુક્ત કર્મીઓને શુભેચ્છાઓ પાઠવી

MailVadodara.com - In-Vadodara-Corporation-23-contract-employees-were-made-permanent-36-new-candidates-were-appointed

- 59 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા, ગત વર્ષે 1200 જેટલા વર્ગ-4 ના સફાઇ સેવકો માટે જગ્યા ઉભી કરી અલગ-અલગ કેડરના 831 કર્મચારીઓની ભરતી કરાઇ

વડોદરા કોર્પોરેશનના વહિવટી માળખાને મજબૂત કરવા સાથે શહેરનો વિસ્તાર વધતા પાલિકામાં ભરતી કરવામાં આવી રહી છે. આજે પાલિકામાં વિવિધ વિભાગોમાં કરાર આધારીત નોકરી કરતા 23 કર્મચારીઓને કાયમી અને 36 નવા ઉમેવારો મળી 59 કર્મચારીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.

વડોદારા મહાનગરપાલિકા કર્મચારીઓની ભરતીની દિશામાં પણ હરણફાળ ભરી રહ્યું છે. ગત વર્ષે 1200 જેટલા વર્ગ-4 ના સફાઇ સેવકો માટે જગ્યા ઉભી કરી અલગ-અલગ કેડરના કુલ 831 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. જેમાં 525 જેટલા જુનિયર ક્લાર્ક, બિન તાંત્રિક તથા રેવન્યુ વિભાગમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તંત્રને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આજે 59 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. જેમાં 23 ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં કરાર આધારીત કામગીરી બજાવી રહ્યા હતા. આ કર્મચારીઓનો પણ આ ભરતી પ્રક્રિયા દ્વારા પાલિકામાં કાયમી સમાવેશ કરવામાં આવ્યા છે. વડોદરા શહેરનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જેથી, મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામોના વિકાસને માનવ બળથી વેગ મળે અને સાથે શહેરીજનોને સમયસર પાયાની સુવિધાઓ તથા વિકાસલક્ષી સેવાઓ પૂરી પાડી શકાય તે માટે સિવિલ, ઇલેકટ્રીકલ તથા મિકેનિકલના ટેક્નિકલ સંવર્ગમાં પાયાની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી હતી.


આ જાહેરાતના અનુસંધાનમાં અગ્રતાક્રમ ધરાવતા ઉમદવારોને આસી.એન્જિનિયર (સિવિલ)- 15 (બહારના ઉમેદવાર-8), વડોદરા મહાનગરપાલિકાના કરાર આધારિત-7, એડી.આસી. એન્જિનિયર (સિવિલ)-35 (બહારના ઉમેદવાર - 19, વડોદરા મહાનગર પાલિકાના કરાર આધારિત ઉમેદવાર -16), એડી.આસી. એન્જિનિયર (ઇલેકટ્રીકલ) - 5 તથા એડીશનલ આસિસન્ટન્ટ એન્જિનિયર (મિકેનિકલ)-4 મળી કુલ-59 ઉમેદવારોને વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આ પ્રસંગે મેયર પિન્કીબેન સોની, ડે. મેયર ચિરાગ બારોટ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, તથા ડે. મ્યુની. કમિશનર કે. પી. જોષી ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી.


ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા આશરે 2,300ની ભરતી કરવાનું ચાલુ કરાયું છે. જેમાંથી ઘણી ભરતીઓ થઈ ચૂકી છે. આ ભરતીઓ થવાના કારણે કોર્પોરેશન પર આશરે 100 કરોડનું આર્થિક ભારણ પડે તેવી સંભાવના છે. ખાસ તો શહેરનો વિકાસ અને વિસ્તારો વધતા સફાઈ સેવકોની ભરતી કરવી જરૂરી હતી. 1200 સફાઈ સેવકો માટે મહેકમ ઊભું કર્યા બાદ, નક્કી કરેલા માપદંડના આધારે 1,000 થી વધુની ભરતી થઈ ચૂકી છે. વર્ગ એક થી ત્રણમાં 831 ની ભરતી કરવાની છે. જેમાં 525 રેવન્યુ ક્લાર્ક નો સમાવેશ થાય છે. હવે આગામી બે ત્રણ મહિનામાં  વર્ગ 1 થી 3 માં 300 ક્લાર્ક ની ભરતી કરાશે. ચીફ ફાયર ઓફિસર, ટીડીઓ, સીટી એન્જિનિયર, પાર્ક એન્ડ ગાર્ડન ડાયરેક્ટર ની પણ ભરતી થશે .ફાયર બ્રિગેડ માં સ્ટાફની જે અછત છે, તે પૂર્ણ કરવામાં આવશે.

Share :

Leave a Comments