- પાણીની લાઈનમાં લીકેજ થતાં પાણીના ફુવારા ઉડયા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક વખત બેદરકારી છતી થઈ છે. શહેરના તરસાલી વિસ્તારમાં પાણીની લાઇનની કામગીરી દરમિયાન લાઇનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. વિકાસના નામે ચાલી રહેલી કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં લીકેજ થતાં પાણીના ફુવારા ઉડયા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા મચ્છીપીઠમાં લાઇનમાં ભંગાણ સર્જાતા 10 ફૂટ ઉંચો પાણીનો ફૂવારો ઉડ્યો હતો. માંડ આ કામગીરી પૂરી થઇ હતી ત્યાં આજે તરસાલીમાં પાણીની લાઇન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં વિકાસના નામે ઠેર-ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે. આ જ પ્રકારનો એક ખાડો વડોદરા શહેરના તરસાલી મેઇન રોડ ઉપર પાણીની ટાંકી નજીક ખોદવામાં આવ્યો છે. આજે સવારે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના પગલે પાણીના ફૂવારા ઉડયા હતા. તરસાલી મુખ્ય રોડ પર પાણીની ટાંકી નજીક અર્બન હેલ્થ સેન્ટર પાસે પાણીની લાઈનમાં સર્જાયેલા ભંગાણના કારણે પાણીનો મોટી માત્રામાં વેડફાટ થયો હતો.
પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાલિકા દ્વારા તુરંત જ લીકેજ લાઇન બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરો દ્વારા કોઇપણ જાતની તકેદારી રાખ્યા વિના કામગીરી કરવામાં આવતી હોવાથી પાણીનો બગાડ થઇ રહ્યો છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે.