- લગ્ન પ્રસંગ દરમિયાન ભેટમાં મળેલા રૂપિયા 4,09,000 દાગીના પર્સમાં મુક્યા હતાં
શહેર નજીક વેમાલી ગામ ખાતે આવેલ પાર્ટી પ્લોટમાં આયોજિત લગ્ન પ્રસંગમાંથી કોઈ ગઠિયો વરરાજાને ભેટમાં મળેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મુકેલ પર્સની ચોરી કરી રફુચક્કર થઇ ગયો હતો. રૂપિયા 4 લાખના મુદ્દામાલની થયેલી ચોરીના બનાવની ફરિયાદ મંજુસર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મંજુસર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, શહેરના હારણી રોડ ઉપર એરપોર્ટ સર્કલ પાસે આવેલ 72, હીરાનગર સોસાયટીમાં રહેતા હિરેનભાઇ શાંતિભાઇ પટેલ વેપાર કરે છે. તેઓના ભાણેજ જીગ્નેશકુમારના તારીખ 22 નવેમ્બરના રોજ વેમાલી ખાતે આવેલ સ્કાઇ ગાર્ડન પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગ દરમિયાન જીગ્નેશકુમારને મહેમાનો તરફથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂપિયા 4,09,000ની ભેટ મળી હતી. સોના-ચાંદીના દાગીનાની ભેટ અને રોકડ રકમ હિરેનભાઇ પટેલની બહેન બિનીતાબેન પાસે હતી. બિનિતાબેને આ ભેટ અને રોકડ રકમ એક પર્સમાં મૂકી હતી.
આ દરમિયાન લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને ઘૂસી ગયેલો કોઇ ગઠિયો વરરાજાને ભેટમાં મળેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ મુકેલ રૂપિયા 4,09,000નું પર્સ લઇને રફૂચક્કર થઇ ગયો હતો. પરિવારજનો દ્વારા લગ્ન પ્રસંગમાં આવેલ કોઈ ભૂલથી લઈ ગયા હશે તેવા અનુમાન સાથે તપાસ કરી હતી. પરંતુ ભેટ મળેલ દાગીના અને રોકડ મળી ન આવતા આખરે તેઓએ મંજુસર પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. મંજુસર પોલીસે હિરેનભાઇ પટેલની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ બનાવની વધુ તપાસ પી.આઇ. કે. આર. સિસોદિયા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શહેરના ભાયલી-સેવાસી રોડ ઉપર આવેલ એક પાર્ટી પ્લોટમાંથી દીકરીને લગ્ન પ્રસંગમાં મળેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી 4,00,000 ઉપરાંત મુદ્દામાલ કોઈ ગઠિયો ચોરી ગયો હતો. તે સાથે અન્ય એક પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલ કારની ડીકી તોડીને તેમાંથી સોનાના દાગીના અને કપડાં મળી રૂપિયા 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી થયાની ઘટના તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી. તાલુકા પોલીસ હજુ પણ બે પાર્ટી પ્લોટોમાં થયેલ ચોરીના બનાવમાં તસ્કરોના સગડ મેળવી શકી નથી.