- મહિલા અગાઉ એક મકાનમાંથી ચોરી કરેલા બે મોબાઇલ ફોન પોલીસે કબજે કર્યા
વડોદરા ખુલ્લા મકાનમાં ઘુસીને મોબાઇલ ફોન ચોરી કરતી મહિલાને ઝડપી પાડી પોલીસે ચોરીના બે મોબાઇલ ફોન કબજે કર્યા છે.
વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલી જગન્નાથપુરી સોસાયટીમાં રહેતા દિપભાઇ પ્રફુલ્લભાઇ રાઠોડ હોસ્ટેલવાલા ડોટ કોમ નામની કંપનીમાં પી.જી. મેનેજર તરીકે નોકરી કરે છે. ગોરવા પોલીસ સ્ટેશનમાં તેમણે નોંધાવેલી ફરિયાદ જણાવ્યું હતું કે, અમારી કંપનીએ ઇલોરાપાર્ક વિસ્તારના સૌજન્ય એપાર્ટમેન્ટ મકાનો ભાડે રાખ્યા છે. તેમાં પી.જી. તરીકે વિકાસ હિતેશભાઇ કુંડલીયા તથા ઉદયભાઇ પરેશભાઇ પોપટ (બંને રહે. મીઠાપુર, દ્વારકા) પી.જી. તરીકે રહે છે. ગત ૮ મી તારીખે સવારે ૮ થી સવા આઠ દરમિયાન તેમના રૂમમાંથી મોબાઇલ ફોન ચોરાયો હતો. અમારી ત્યાં પી.જી.તરીકે રહેતા પ્રવિણભાઇએ એક મહિલાને રૂમમાં અંદર જતા જોઇ હતી.
પ્રવિણભાઇએ પૂછ્યું તો તેણે ભીખ માંગવા આવી હોવાનું જણાવ્યું હતું. તે મહિલા જ મોબાઇલ ચોરી ગઇ હોવાની શંકાના આધારે અમે તે મહિલાને શોધતા હતા. તે દરમિયાન આ મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. આ મહિલા અન્ય ઘરમાં ચોરી કરવા ઘુસી હતી અને ત્યાંથી નીચે પડી જતા ફ્રેક્ચર થઇ ગયું હતું. જેથી, અમે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી જાણ કરી હતી. આ મહિલાનું નામ કેલમબેન ઉર્ફે કેવલ સૂરજભાઇ મારવાડી (રહે. શાસ્ત્રી નગર, સિન્ધી સ્કૂલની પાછળ, જવાહર નગર, નડિયાદ, જિ.ખેડા) હોવાનું જાણવા મળ્યું હતું. ગોરવા પોલીસે તેની પાસેથી બે મોબાઇલ ફોન કબજે કર્યા છે.