- ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેો, 4 શખ્સો સામે ગોરવા પોલીસમાં ફરિયાદ
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતો યુવક પડીકી ખાવા માટે ગલ્લા પર ગયો હતો. ત્યાં એક શખ્સ ફોન પર ગાળા ગાળી કરતો હોય અને બાજુમાં મહિલા ઉભી હતી. જેથી તેને ગાળો નહીં બોલવાનું કહેતા આ શખસ જતો રહ્યો હતો અને તેના સાગરિતોને લઈ આવી ગાળો નહીં બોલવા બાબતે ટોકનાર યુવકને માર માર્યા બાદ લાકડી વડે હિંસક હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ગોરવા પોલીસ સ્ટેશનમાં 4 શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા વિજયભાઈ પ્રભાતભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે કે, હું છુટકમાં ડ્રાઇવિંગ કરું છું. ગત 10 મેના રોજ મારા મિત્ર જીતેશભાઈ છપ્રસિંહ સોલંકીએ મને ફોન કરીને પડીકી ખાવા માટે સુભાનપુરા બેક ઓફ ઇંડિયાની ગલીમાં બોલાવ્યો હતો. જેથી, હું ત્યા ગયો હતો ત્યારે નાગજીભાઈના ગલ્લા પર મારી સાથે વિરાટ ઉર્ફે બટકો કોઈની સાથે ફોન પર વાતચીત કરી ગાળાગાળી કરતો હતો.
તે વખતે ત્યા કેટલીક મહિલાઓ ઉભેલી હોવાથી જેથી અમે તેને ગાળો બોલવાની ના પાડતા વિરાટ ઉર્ફે બટકો એકદમ ઉમેરાઇ જઇ મારી સાથે ઝઘડો કરી ગંદી ગાળો આપવા લાગ્યો હતો. જેથી ત્યાં હાજર સંતોષભાઈએ આ વિરાટ ઉર્ફે બટકાને સમજાવતા તે ત્યાંથી જતો રહયો હતો અને થોડી વાર પછી વિરાટ ઉર્ફે બટકો તેના ત્રણ મિત્રો સાથે બે બાઈક પર બેસીને ત્યા ધસી આવ્યો હતો. ત્યારબાદ મને ચારેય ગડદાપાટુનો માર માર્યો હતો અને લાકડીના ઠંડા વડે મારા પર હુમલો કર્યો હતો. જેથી તેને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગોરવા પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.