- ફાયરના ત્રણ જવાનોએ એક સીડીની મદદથી વૃદ્ધને બચાવ્યા
- વૃદ્ધને સામાન્ય ઇજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગોકુલનગર નજીક વરસાદી નાળામાં એક વ્યક્તિ પડ્યો હોવાની માહિતી મળતાની સાથે જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની વડીવાડી ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી વૃદ્ધનું રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢ્યા હતા. વૃદ્ધને સામાન્ય ઇજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ગોત્રી વિસ્તારમાંથી વહેલી સવારે ફાયરને કોલ મળ્યો હતો. જેમાં વરસાદી કાંસમાં એક વ્યક્તિ પડી ગયો હોવાનું જણાવવામાં આવતા ફાયરના જવાનો ગોત્રી વિસ્તારમાં આવેલ ગોકુલનગર વરસાદી કાંસ પાસે પહોંચ્યા હતા. જ્યાં એક વૃદ્ધ કાંસમાં પડ્યા હોવાનું જોવા મળ્યું હતું. ત્યારબાદ ત્રણ ફાયર જવાનોએ એક સીડીની મદદથી રેસ્ક્યુની કામગીરી કરી હતી. ફાયર બ્રિગેડ દ્વારા બચાવેલ વ્યક્તિનું નામ ભરત ચંદ્રકાંતભાઈ બારોટ (ઉંમર વર્ષ 61) છે. તેમને સામાન્ય માથાના ભાગે ઈજાઓ હોવાથી 108 મારફતે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અંગે વડીવાડી ફાયર વિભાગમાં ફરજ બજાવતાં સર સૈનિક ધર્મેશભાઈ જાધવે જણાવ્યું કે, વહેલી સવારે ફાયર સ્ટેશનને કોલ આવ્યો હતો કે એક વ્યક્તિ વરસાદી નાળામાં પડી ગયો છે. કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કાર્યવાહી કરી તેમને સહીસલામત બહાર કાઢ્યા હતા. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ અને ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યૂ ઓપરેશન ઝડપથી અને સફળતાપૂર્વક પૂર્ણ થતા વૃદ્ધનો જીવ બચી ગયો હતો.