બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી નદીમાં બનાવેલા 13 પિલરો પૂરના પાણી રોકે તેવી દહેશત

વડોદરા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

MailVadodara.com - Fears-that-13-pillars-built-in-Vishwamitri-river-under-bullet-train-project-may-block-flood-waters

- બેઠકમાં સંભવિત પૂરના પાણીનો પ્રવાહ અટકે નહીં તે માટે 15 જુન પહેલાં કોઇ રસ્તો કાઢવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ કોર્પોરેશનને હૈયાધારણ આપી

વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં આવેલા વિનાશક પૂર બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. પરંતુ, વિશ્વામિત્રી નદીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવેલા 13 પિલરો વિશ્વામિત્રી નદીમાં સંભવતઃ પૂરના પાણી રોકે તેવી દહેશત વ્યકત કરાઇ રહી છે. જોકે, આજે વડોદરા કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં સંભવિત પૂરના પાણીનો પ્રવાહ અટકે નહીં તે માટે 15 જુન પહેલાં કોઇ રસ્તો કાઢવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ કોર્પોરેશનને હૈયાધારણ આપી છે.


બેઠકમાં થયેલી ચર્ચા અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ જણાવ્યું હતું કે, વડોદરામાં મહત્વપૂર્ણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઉપર કામગીરી ચાલી રહી છે. 60 ટકા જેટલી કામગીરી પૂરી થઇ ગઇ છે. પરંતુ, વિશ્વામિત્રી પ્રોજેક્ટની સાથોસાથ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલર વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપર 7 અને વડોદરા શહેરની બહાર વિશ્વામિત્રી નદી ઉપર 6 જગ્યાએ બનાવવામાં આવેલા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ મહત્વનો છે. પરંતુ, પિલરના કારણે નદીનો પ્રવાહ અટકે નહીં અને નદીના પાણીનો પ્રવાહ સરળતાથી પસાર થઇ જાય તેવો રસ્તો કાઢવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. અધિકારીઓએ 15 જુન પહેલાં કોઇ નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ હાઇવેની પણ કામગીરી ચાલી રહી છે. જેમાં 34 બ્લોકેજ આવે છે. જેમાં ખાસ કરી જામ્બુઆ નદીમાં છે. બ્લોકેજ પણ પાણી અવરોધી શકે છે. ત્યારે આ બ્લોકેજ દૂર કરવા નેશનલ ઓથોરિટીની ટીમ દ્વારા હૈયાધારણ આપ્યું છે.


તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત આજવા સરોવરની ચાલી રહેલી કામગીરી અંગે જણાવ્યું હતું કે, આજવા સરોવરની કામગીરી 35 ટકા થઇ છે. આ કામગીરીની સ્પિડ વધારવામાં આવશે. ઉપરાંત શહેરના કાંસની સફાઇ અને તળાવો ઉંડા કરવાની કામગીરી નિર્ધારીત સમયમાં પૂર્ણ કરવામાં આવશે.


આજે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટને લઈને પાલિકામાં મળી મહત્વપૂર્ણ બેઠક મળી હતી. પાલિકાના કોન્ફરન્સ હોલમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ તેમજ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આ બેઠકમાં પર્યાવરણવીદો સહિત વિવિધ એનજીઓના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ બેઠકમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીથી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીમાં અવરોધ ઉભો થઇ રહ્યો હોવાની ચર્ચા થઇ હતી. નોંધનીય છે કે, મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ, સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર, ધાર્મિક દવે સહિતના અધિકારીઓએ દેણા ચોકડી સ્થિત વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

Share :

Leave a Comments