વડોદરા-કરજણ નેશનલ હાઈવે પરથી 57 લાખની બીયરની પેટી ભરેલી ટ્રક સાથે ચાલકની ધરપકડ

ધાવટ ચોકડી પાસે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી હતી

MailVadodara.com - Driver-arrested-with-truck-loaded-with-beer-crates-worth-Rs-57-lakh-on-Vadodara-Karjan-National-Highway

- તપાસમાં ટ્રકમાં ભરેલા સામાન નીચેથી  બીયરની 1157 પેટીઓ મળી આવી હતી

- પોલીસે બીયરના જથ્થા સાથે ટ્રક, મોબાઇલ ફોન સહિત 67,29, 560નો મુદ્દામાલ કબજે કર્યો


વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઇવે 48 ઉપર ધાવટ ચોકડી પાસે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી વડોદરા તરફ બીયરનો જથ્થો લઈને આવી રહેલી ટ્રકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રૂપિયા 57 લાખની કિંમતની બીયરની 1157 પેટીઓ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી છે.

મળેલી માહિતી પ્રમાણે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કુણાલ પટેલને માહિતી મળી હતી કે ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ-બીયરનો જથ્થો વડોદરા તરફ આવી રહ્યો છે. જે માહિતીના આધારે એલસીબી સ્ટાફને વાહનો ચેકિંગ કરવા સૂચના આપી હતી. જે સૂચનાના આધારે એલસીબીનો સ્ટાફ ધાવટ ચોકડી પાસે વોચમાં ગોઠવાઈ ગયો હતો.

આ દરમિયાન ભરૂચ તરફથી આવી રહેલા શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી. ટ્રકના ચાલક રાજેશ વેનશીમલ જેસવાણીને ટ્રકમાંથી નીચે ઉતારીને તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ટ્રકમાં ભરેલા સામાન નીચે 1157 પેટીઓ મળી આવી હતી. આ પેટીઓ ખોલીને તપાસ કરતા તેમાંથી બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે આ રૂપિયા 57,22,560ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો. અમદાવાદમાં 7, રાજ સોસાયટી, સૈજપુર બોઘા નરોડા પાટિયા ખાતે રહેતા રાજ જેસવાનીની પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ બીયરનો જથ્થો બન્નાજી નામના વ્યક્તિએ ભરી આપ્યો હતો. અને અમદાવાદ ખાતે પહોંચી ફોન કરવાનો હોવાનું જણાવ્યું હતું. જોકે, બીયરનો જથ્થો ભરેલો ટ્રકચાલક નિયત સ્થળે પહોચે તે પહેલાં કરજણ હાઇવે ઉપર પકડાઇ ગયો હતો.

વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કુણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મોડી રાત્રે કરજણ ધાવટ ચોકડી પાસેથી ઝડપાયેલ બીયરના જથ્થા સાથે ટ્રક, મોબાઇલ ફોન સહિત રૂપિયા 67,29,560નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ વિનોદ કિશનસિંહે ટ્રકચાલક રાજેશ જેસવાણી અને બીયરનો જથ્થો ભરાવનાર બન્નાજી સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કરજણ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments