ભરથાણા પાસેથી ટેન્કરમાં છુપાવી લઇ જવાતો 58.46 લાખના દારૂ સાથે ચાલકની ધરપકડ

ટેન્કરમાં ચોરખાના બનાવી મોરબી લઇ જવાતો દારૂનો જથ્થો જિલ્લા LCBએ ઝડપી પાડ્યો

MailVadodara.com - Driver-arrested-with-liquor-worth-58-46-lakhs-hidden-in-tanker-from-Bharthana

- ગોવાથી લવાયેલો 812 પેટી દારૂ, ટેન્કર મળી કુલ 68.51 લાખના મુદ્દામાલ જપ્ત

આગામી 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ અલગ અલગ કિમીયાઓ અજમાવીને દારૂ ઘૂસાડવા બુટલેગરો સક્રિય બન્યા છે. મોડી રાત્રે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચેકિંગ દરમિયાન ટેન્કરમાં ચોરખાના બનાવી મોરબી લઇ જવાતો રૂપિયા 58.46 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો કરજણ ભરથાણા પાસેથી ઝડપી પાડયો હતો. ગોવાથી લાવવામાં આવેલો 812 પેટી દારૂ, ટેન્કર મળી કુલ રૂપિયા 68.51 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે પોલીસે ટેન્કરચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કરજણ પોલીસ મથકની હદમાં એલસીબીની ટીમ કરજણ ભરથાણા હાઇવે ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન દારૂ ભરેલી એક ટેન્કર વડોદરા તરફ આવી રહી હતી. પોલીસે ટેન્કરને ઉભી રાખી તપાસ કરતાં 812 પેટી દારૂ મળી આવ્યો હતો.

પી.આઇ. કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ટેન્કરમાં ચોરખાના બનાવી દારૂનો જથ્થો લાવનાર રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના દતેડી શંકરલાલ પુનીલાલ શાલવીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ કરતા તેણે આ દારૂનો જથ્થો રાજસ્થાનના સતિષ બિશ્નોઇનો સંપર્ક કુટુંબી ભાઇ પ્રભુલાલ ભવંરલાલ શાલવીએ કરાવ્યો હતો. આ દારૂનો જથ્થો ગોવા પોન્ડા ખાતે આવેલા રાજસ્થાન ઢાબા મોકલ્યો હતો અને મોરબી રામદેવ હોટલ ઉપર જવા માટે જણાવ્યું હતું.

જોકે, આ દારૂનો જથ્થો મોરબી પહોંચે તે પહેલાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઇવે નંબર 48 કરજણ ભરથાણા પાસેથી ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે એલસીબીએ કરજણ પોલીસ મથકમાં ટેન્કર ચાલક સહિત આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments