- પોલીસે રૂપિયા 6.84 લાખની કિંમતની 6838 બોટલો અને ટીન કબ્જે કરી દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
મહારાષ્ટ્રથી ડુંગળીની ગુણોની આડમાં વડોદરામાં ઠાલવવા માટે લવાતો રૂપિયા 6.84 લાખના ભારતીય બનાવટના દારૂ ભરેલા આઇસરને તેના ચાલક સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભરથાણા ગામની સીમમાંથી ઝડપી પાડી કુલ રૂપિયા 12.14 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
મળેલી માહિતી પ્રમાણે, દારૂબંધીની અસરકારક કામગીરી કરવા પોલીસ સ્ટાફ કરજણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, એક મહારાષ્ટ્ર પાર્સીંગની આઇસર ભરુચ તરફથી આવે છે અને તેમા દારૂ ભરેલો છે. આ માહિતીના આધારે એલસીબી ટીમે કરજણના ભરથાણા નજીક વોચ ગોઠવી મહારાષ્ટ્ર પાર્સીંગની આઇસરને આંતરી તેની તલાશી લેતા ગાડીમાં ડુંગળીની 64 ગુણોની પાછળ ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂ અને બીયરની 165 પેટી મળી આવી હતી.
પોલીસે રૂપિયા 6.84 લાખની કિંમતની 6838 બોટલો અને ટીન કબ્જે કરી રાજસ્થાનના રાજસમદ જિલ્લાના આમેટ ગામે રહેતા જીવનસીંગ મનોહરસીંગ રાવતની અટકાયત કરી તેની પુછપરછ હાથ ધરતા દારૂનો આ જથ્થો મહારાષ્ટ્રના પીપલનેટ ખાતે રહેતા રાજુ નામના વ્યકિતએ ભરાવી આપ્યો હતો. વડોદરા સયાજીપુરા શાકમાર્કેટ પહોંચી ફોન કરવા માટે જણાવ્યું હતું. પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.