- તબીબોને સીટીસ્કેનથી વાળની ગાંઠ આંતરડા સુધી પહોંચી ગઈ હોવાનું જણાતા તાત્કાલિક બાળકીને દાખલ કરી સર્જરી કરી હતી, બાળકી પીડા મુક્ત થતાં પિતાએ ખુશી વ્યક્ત કરી હતી
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના સર્જરી વિભાગે એક વિલક્ષણ સર્જરી દ્વારા છ વર્ષની બાળકીના પેટમાંથી 55 સેન્ટિમીટર લાંબી વાળની ગાંઠ સફળતા પૂર્વક દૂર કરી છે. બાળકીના આંતરડાના સ્તર સુધી પહોંચેલી વાળની ગાંઠના કારણે બાળકી અસહ્ય પીડા અને ઉલટીઓનો ભોગ બની હતી. ડોક્ટરોની કામગીરી અને સમયસર લેવામાં આવેલી તબીબી કાર્યવાહીથી બાળકી હવે ધીમે ધીમે રાહત અનુભવી રહી છે.
ખાનપુર ગામના ખેડૂત દંપતી રાકેશભાઈ અને મીનાબેન નિનામાની પુત્રીને છેલ્લા કેટલાક દિવસોથી પેટમાં તીવ્ર દુખાવો અને વારંવાર ઉલટી થતી હતી. બાળકીના માતા-પિતાએ એસએસજી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. જ્યાં તબીબોએ સીટીસ્કેન દ્વારા વાળની ગાંઠ આંતરડા સુધી પહોંચી ગઈ હોવાનું જણાવ્યું અને તાત્કાલિક પગલાંરૂપે બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી શનિવારે સર્જરી કરવામાં આવી હતી.
આ જટિલ ઓપરેશનમાં સર્જરી વિભાગના ડોક્ટરો તેમજ એનેસ્થેસિયાની ટીમે કાર્યરત હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી આ સફળ સર્જરીમાં બાળકીના પેટમાંથી 55 સેન્ટિમીટર લાંબી વાળની ગાંઠને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવી હતી.
ડૉ. સંદીપ રાવે માહિતી આપી હતી કે, આ કેસ માનસિક સ્થિતિને લઈને ઊભો થયો છે, જેને ટ્રાઇકોબેઝોર (Tricobazor) તરીકે ઓળખવામાં આવે છે. દર્દીને લાંબા સમયથી પોતાના વાળ ચાવવાની આદત હતી, જેના કારણે વાળ પેટમાં એકઠાં થતાં ગયા અને અંતે આંતરડાની દીવાલો સાથે ચોંટી ગયા.. ખાનગી હોસ્પિટલોમાં આ ઓપરેશન લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચદાયક હોઈ શકે છે, ત્યારે એસએસજી હોસ્પિટલમાં તમામ સારવાર મફતમાં આપવામાં આવી હતી. ડૉ. રાવે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસએસજીનો સર્જરી વિભાગ આ પ્રકારના જટિલ કેસો માટે તૈયાર છે અને જરૂરિયાતમંદો માટે આરોગ્યસેવાને વધુ પહોંચરૂપ બનાવે છે.
બાળકી હાલમાં હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં નિરીક્ષણ હેઠળ છે અને આરોગ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. બાળકીના પિતા રાકેશ નિનામાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું, અમને અમારી પુત્રીના માથામાંથી વાળ ધીરે ધીરે ઓછા થતાં અણસાર મળ્યો કે કંઈક ગડબડ છે. ખાનગી હોસ્પિટલના ખર્ચને કારણે અમે સરકારની હોસ્પિટલ પર ભરોસો મૂક્યો અને અહીંની ડોક્ટરોની ટીમે અમારું જીવન બદલ્યું છે.