- દુકાન બંધ કરી ઘરે પરત ફરી રહેલા વેપારી પર હુમલો કરનાર 48 કલાક બાદ પણ ફરાર, એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો તપાસમાં જોડાઇ
- બાઇક પર વપરાયેલી નંબર પ્લેટ પણ નકલી નીકળી, રાજ્ય બહાર ભાગી ગયાની આશંકા
સલામત સિટી ગણાતા વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ચિથરા ઉડાડતી એક સનસનીખેજ ફાયરિંગની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ગત 26 જૂનની મોડી રાત્રે ગારમેન્ટનો વ્યવસાય કરતા એક વેપારી પર અજાણ્યા બાઇક સવાર શખસોએ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં કાર ચાલક વેપારીને જમણા હાથના બાવળા પર ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ઘટનાના 48 કલાક વીતી ગયા હોવા છતાં હજુ પણ આરોપીઓ પોલીસ પક્કડથી દૂર હોવાથી ચકચાર મચી ગઈ છે.
વાઘોડિયા રોડ પર આવેલી પ્રાઈમસિટી સોસાયટીમાં રહેતા અને કપડાનો હોલસેલ વેપાર કરતા 37 વર્ષીય આશિષકુમાર મદનલાલ બાકોલીયા (મૂળ દિલ્હીના યુવક) 26 જૂનની રાત્રે સવા દસ વાગ્યાના અરસામાં પોતાની દુકાન બંધ કરી ફોર વ્હીલર કાર લઈને એકલા ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વાઘોડિયા ચોકડી પાસે ટ્રાફિક અને સિગ્નલના કારણે તેમણે પોતાની કાર ધીમી પાડી હતી. આ તકનો લાભ ઉઠાવી, વડોદરા તરફથી મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા ઇસમો પૈકી પાછળ બેસેલા શખસે અચાનક કારની બાજુમાં આવીને આશિષકુમાર પર સીધું ફાયરિંગ કર્યું હતું.
ફાયર થયેલી ગોળી કારના ડ્રાઇવર સાઇડનો કાચ તોડીને સીધી આશિષકુમારના જમણા હાથના બાવળા પર વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. મોટરસાયકલ ચલાવનારે કાળા કલરનું હેલ્મેટ અને પાછળ બેસનારે મોઢા પર માસ્ક પહેરેલું હતું, જેથી તેમની ઓળખ છુપાઈ રહે. બંને હુમલાખોરો ઘટનાને અંજામ આપીને તુરંત જ ત્યાંથી પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા.
લોહીલુહાણ હાલતમાં પણ હિંમત ન હારીને ઇજાગ્રસ્ત વેપારી આશિષકુમારે તુરંત જ કાર રોડની સાઇડમાં ઊભી રાખી પોલીસ કંટ્રોલ રૂમના ૧૧૨ નંબર અને ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. ઘટનાસ્થળે સૌપ્રથમ પોલીસની ગાડી અને ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ આવી પહોંચતા ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી (SSG) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે, જ્યાં હાલ તેઓ સંપૂર્ણ ભાનમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલના બિછાનેથી ઇજાગ્રસ્ત વેપારી આશિષ બાકોલિયાએ જણાવ્યું હતું કે, હું કાર લઈ ઘરે જતો હતો ત્યારે ચાર રસ્તા પર ઊભો હતો. તે સમયે અચાનક બાઈક ચાલકો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. થોડીવાર તો મને ખબર જ ના પડી કે મારી સાથે શું થયું છે. ત્યારબાદ હાથમાં અસહ્ય પીડા થઈ અને લોહી વહેતું જોયું ત્યારે ખબર પડી કે મને ગોળી વાગી છે. વડોદરા સલામત સિટીમાં આવે છે તેમ છતાં આવી ઘટના બની તે ચિંતાજનક છે. ફાયરિંગ કરનાર કોણ હતા તે મને ખબર નથી, પોલીસ વહેલી તકે આરોપીઓને પકડે તેવી મારી માંગ છે.
વાઘોડિયા ચોકડી પાસે બનેલી આ ચકચારી ઘટનામાં હુમલાખોરોએ ફાયરિંગ કેમ કર્યું તે હજુ સુધી એક મોટો સસ્પેન્સ (રહસ્ય) બનેલો છે, કારણ કે વેપારીને કોઈની સાથે પૈસાની લેતી-દેતી કે કોઈ જૂની બબાલ થઈ નથી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ જે બાઇક લઈને આવ્યા હતા તેની આગળ કોઈ નંબર પ્લેટ ન હતી અને પાછળ જે નંબર પ્લેટ હતી તે તદ્દન ખોટી (નકલી) નીકળી છે, જેના કારણે પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે.
હાલમાં આ ઘટનાની ગંભીરતાને જોઈને વડોદરા જિલ્લા એસઓજી (SOG), એલસીબી (LCB) અને સ્થાનિક પોલીસની ટીમો રાત-દિવસ એક કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં હાઈવે અને આસપાસના વિસ્તારોના 200થી વધુ સીસીટીવી ફૂટેજ ફંગોળ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપીઓ ફાયરિંગની ઘટનાને અંજામ આપીને રેલ માર્ગે રાજ્ય બહાર (અન્ય રાજ્યમાં) ફરાર થઈ ગયા હોવાનું અનુમાન છે. જિલ્લા અને શહેર પોલીસની અલગ-અલગ ટીમો કડીઓ મેળવીને હુમલાખોરોના સગડ મેળવવા ભારે પસીનો પાડી રહી છે.


