- પૂણે સ્થિત ફોક્સવેગન કંપનીના પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસરે નવાયાર્ડ વિસ્તારમાં આવેલ ફોક્સવેગન કારના શોરૂમ ખાતે અકસ્માત કરનાર કારનું ઇન્સ્પેક્શન કર્યું હતું
હોળીના પર્વ (13મી માર્ચ)ની ઉજવણી વચ્ચે વડોદરામાં નબીરા કારચાલક રક્ષિત ચોરસિયાએ નશાની હાલતમાં આઠ લોકોને અડફેટે લીધા હતા. જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના પતિ પુરવભાઇ સહિત સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ અકસ્માત વખતે કારની સ્પીડ કેટલી હતી. તે જાણવા માટે કારનો ડેટા જર્મની મોકલવામાં આવ્યા છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારના આમ્રપાલી કોમ્પ્લેક્સ નજીક રક્ષિત ચૌરસિયાએ પૂરપાટ ઝડપે કાર હંકારીને અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન કારની સ્પીડ શું હતી, કારની બ્રેક લગાવી હતી કે નહીં અને એરબેગ ક્યારે ખૂલી, તે તમામ વિગતો કારની ચિપમાં છે. ફોક્સવેગન કંપનીના પૂણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં આવેલ ફોક્સવેગન કારના શોરૂમ ખાતે ગયા હતા અને કારનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને કારનો તમામ ડેટા તેઓ લઈ ગયા છે. તેઓએ કારનો આ ડેટા જર્મની ખાતે મોકલ્યો છે.
ઉલ્લેખનીય છે કે,કાર રક્ષિત ચલાવતો હતો તે બાબત સ્પષ્ટ છે. કારના ડેટાના એનાલિસિસ બાદ અકસ્માતના સમયે કારની સ્પીડ, એર બેગ ક્યારે ખુલી તે સહિતના અનેક સવાલોના જવાબો પોલીસને મળે તેવી આશા છે. આ ડેટા કેસની મજબુતાઇ માટે મહત્ત્વના પુરાવા સાબિત થઇ શકે છે.