તમારા આધારકાર્ડનો ડ્રગ્સ કેસમાં ઉપયોગ થયો છે કહી સાયબર માફિયાઓએ 10.97 લાખ પડાવ્યા

IT કંપનીની HR મેનેજર મહિલાને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરી

MailVadodara.com - Cyber-fraud-10-97-lakhs-by-saying-that-your-Aadhaar-card-has-been-used-in-a-drug-case

તમારા આધારકાર્ડનો ડ્રગ્સ કેસમાં ઉપયોગ થયો છે, તેમ કહીને સાયબર માફિયાઓએ IT કંપનીમાં HR મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને 10.97 લાખ રૂપિયા પડાવી લીધા છે. આ મામલે મહિલાની ફરિયાદના આધારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને IT કંપનીમાં HR મેનેજર તરીકે ફરજ બજાવતા 43 વર્ષીય મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા. 3/10/2024ના રોજ હું મારા ઓફિસમાં હાજર હતી, ત્યારે મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમા સામેવાળા મને એવુ કહ્યું હતું કે, હું ફેડેક્ષ કુરિયરમાંથી વાત કરું છું. તમારું કુરિયર ડિલિવર નથી થયુ કેમ કે તેમાં ઈલીગલ મટીરીયલ છે, જેથી મેં સામે વાત કરી હતી કે, મેં કોઈ કુરિયર મંગાવ્યું નથી કે મોકલ્યું નથી. તો મને એવું જણાવયું કે, તમારા નામથી કુરિયર છે, તો તમારા આધારકાર્ડનો મિસ યુઝ થયો છે.

ત્યાર બાદ તેમણે મને કહ્યું હતું કે, અમે અહિંથી FIR નોંધાવી છે. તમારે ત્યાં નોંધાવવી હોય તો નજીકના પોલીસ સ્ટેશને જઈને FIR કરી શકો છો. ત્યાર બાદ મારો કોલ એમણે ટ્રાંસફર કર્યો હતો અને મને કોઈ પોલીસ ઈન્સપેક્ટરે જણાવ્યુ હતું કે, તમારી પુછપરછ કરવાની હોય, જેથી તમે મને સ્કાઈપ ઉપર 930 MUMBAI CYBER CELL DEPARTMENT સર્ચ કરો અને મને વીડિયો કોલ કરો. ત્યાર બાદ મેં સામેવાળાને વીડિયો કોલ કર્યો હતો. જેમા મને સામેવાળાનો ફેસ જોવા મળ્યો નહોતો.

સામેવાળાએ મને પુછ્યુ હતું કે, તમને કોઈ ઉપર ડાઉટ છે, તો તેના વિરુધ્ધની કાર્યવાહી કરી શકુ. ત્યાર બાદ એમણે મારી પાસે બેંક સ્ટેટમેંટ માગ્યુ. અને મને કહ્યું હતું કે, તમારૂ આધારકાર્ડ ડ્રગસ એન્ડ નાર્કોટિક્સમાં ઉપયોગ થયો છે, જેથી તમે ફોન કટ નહિ કરી શકો. હું જે પણ કહુ તેનો જવાબ તમારે આપવાનો રહેશે, જેથી મેં મારો ફોન કટ નહોતો કર્યો. સામેવાળા જે પોતાની પોલીસ ઈન્સપેક્ટરની ઓળખ આપતા હતા. તેઓ મને ધાકધમકી આપવા લાગ્યા હતા અને મને જણાવ્યું હતું કે, તમે મારા પ્રશ્નોના પુરેપુરા જવાબ આપવાના રહેશે, તો જ તમોને PCC સર્ટીફિકેટ મળવા પાત્ર થશે.

ત્યાર બાદ તેણે મને કોઈના ડેબિટકાર્ડ બતાવ્યા અને પુછ્યુ કે, આ તમારા છે તો મેં ના કહ્યુ હતું, તો મને એવું કહેવામાં આવ્યું કે, તમારુ ડેબિટકાર્ડ બતાવો તો મેં મારુ ડેબિટકાર્ડ બતાવ્યું તો મને ખ્યાલ ન રહ્યો કે, સામાવાળાએ મારા ડેબિટકાર્ડ નંબર અને CVV લઈ લીધો. ત્યાર બાદ તેમણે બેંક સ્ટેટમેંટ વંચાવ્યા. અને મેં ઘેર જવાની વાત કરી તો મને તેણે જવાની પરમિશન આપી અને હું મારા ઘેર જઈને તેમના કહ્યા મુજબ મેં ઘરનો દરવાજો બંધ કર્યો અને મારી પાસે 1 રૂપિયાનું ટ્રાંઝેક્શન કરવા જણાવ્યું જેથી મેં 1 રૂપિયાનું ટ્રાંઝેક્શન કર્યુ હતું. ત્યાર બાદ મારી પાસે 98 રૂપિયા તથા 10.97 લાખ રૂપિયાનું ટ્રાંઝેક્શન કરવા જણાવ્યું, જે મેં કર્યુ અને મને કહ્યુ કે, તમને તરત જ તમારા ભરેલા રૂપિયા રિવટ થઇ જશે તેમ જણાવી વીડિયો કોલ કટ કરી દીધો પરંતુ મારા રૂપિયા રિવટ નહીં થતા મને લાગ્યું કે મારી સાથે ઓનલાઇન ફ્રોડ થયું છે જેથી મેં ઓનલાઇન 1930 ઉપર મારી ફરીયાદ આપી હતી અને ત્યાર બાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments