- શૌચાલય, બાથરૂમ, રોડ, લાઇટ તેમજ અન્ય જરૂરી સુવાિઓ મહારાષ્ટ્રીયન સમાજની આસ્થાને ધ્યાનમાં રાખી વહેલી તકે વ્યવસ્થા કરી આપવા માંગ
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાન CSR ફંડ હેઠળ નવું બનાવવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા આ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ, મહિલાઓ માટે શૌચાલય અને બાથરૂમની કોઇ સુવિધા નથી. ત્યારે આ સ્મશાનમાં મહિલાઓ માટે શૌચાલય અને બાથરૂમની વ્યવસ્થા કરવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી માગ કરી છે.
વડોદરા કોર્પોરેશનના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ), કાઉન્સિલર અમીબેન રાવત, બાળુ સુર્વે અને પુષ્પાબેન વાઘેલાએ સંયુક્ત મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ખાસવાડી સ્મશાનમાં મહિલાઓ માટે શૌચાલય અને બાથરૂમની વ્યવસ્થા કરવા પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, શહેરનું ખાસવાડી સ્મશાન એ ખાસ કરીને મહારાષ્ટ્રીયન સમાજના લોકો માટે અંતિમક્રિયા કરવા માટે જાણીતું છે. મહારાષ્ટ્રીયન સમાજમાં કોઇપણ વ્યકિત નિધન પામે ત્યારે વધારેમાં વઘારે આ ખાસવાડી સ્મશાનની અંદર પૂજા-અર્ચના કરવા માટે આવે છે અને ત્યાં સમાજ ભેગો થાય છે.
પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ, કોંગ્રેસના સમયથી સ્મશાનમાં આ વ્યવસ્થા જાળવી રાખી હતી અને એના પછી જયારથી સત્તાધારી પક્ષ સત્તા પર બેઠા ત્યારથી અને ખાસ કરીને અત્યારે જે કોન્ટ્રાકટ પદ્ધતિ લાવ્યા છે તેમાં સમાજનું માન સન્માન જળવાતું નથી. આ સમાજનું શહેર ઉપર ઋણ છે અને બલિદાનનો ઇતિહાસ છે. વડોદરા શહેર એ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની નગરી તરીકે ઓળખાતું હોય ત્યારે એ સમાજની ધાર્મિક વિધિ માટે વિઘ્ન ઉભા થાય છે તેવુ નરી આંખે દેખાય છે. પાંચ દિવસ પહેલા સમાજના લોકો રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે શૌચાલય અને બાથરૂમ બનાવવાની ખાતરી આપી હતી.
ખાસ કરીને ખાસવાડી સ્મશાનમાં જવા-આવવા માટેના રસ્તાની ચારે બાજુ ઝાડી-ઝાંખરા છે, રોડ, લાઇટ અને પાણીની વ્યવસ્થા નથી. તમે ગમે તે વ્યકિતને કોન્ટ્રાકટ આપી કામગીરી કરાવો છો પરંતુ કોન્ટ્રાકટ આપ્યા પછી અને તેમાંય સમાજની વિધી થતી હોય તેના માટે ખાસ ઘ્યાન રાખી કામગીરી કરાવવી જોઇએ, પરંતુ ધ્યાન રાખવામાં આવ્યું નથી. જેથી સમાજના લોકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે.
વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસ કાઉન્સિલરોએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે, કોર્પોરેશન કરોડો રુપિયાની ગ્રાન્ટ ફંકશનો પાછળ વપરાતી હોય, ત્યારે જે સમાજે વડોદરા શહેરને કંઇક આપ્યું છે અને ધાર્મિક વિધિ જે એક આસ્થાનો વિષય છે અને ત્યારે આ સમાજ માટે અમારી માંગણી છે કે, આવનાર 2-3 દિવસોની અંદર કામચલાઉ ઘોરણે શૌચાલય અને બાથરૂમની સુવિઘા કરી આપવી તેમજ ત્યાં કાયમી ઘોરણે શૌચાલય, બાથરૂમ, રોડ, લાઇટ તેમજ અન્ય જરૂરી સુવિઘાઓ મહારાષ્ટ્રીયન સમાજની આસ્થાને ધ્યાનમાં રાખી વહેલામાં વહેલી તકે વ્યવસ્થા કરી આપવા માંગણી છે.