- ગાયત્રીપાર્ક સોસાયટીમાં રહેતા શ્લોક સોલંકીએ મિત્ર માટે કાર ભાડે માગી હતી
વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા માલિક પાસેથી કાર ભાડે ફેરવવાનું કહીને લઈ ગયા બાદ અન્યને આપી દીધી હતી. જે થાર કારની વારંવાર માંગણી કરવા છતાં પરત નહીં આપતા બે શખસો વિરુદ્ધ માલિકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે અને બાપોદ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
મૂળ તમિલનાડુના અને હાલમાં આજવા રોડ પર આવેલા સાંઈ શ્રદ્ધા ડુપ્લેક્સમાં રહેતા શંકર રાજગોપાલ દ્રવીડરે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ફિન કોર્ષ પ્રાઈવેટ લિમીટેડ કંપનીમાં કલેક્શન એકઝીક્યુટીવ તરીકે નોકરી કરી મારૂ ગુજરાન ચલાવુ છું. મારા ઉપયોગ માટે એક મહેંદ્રા થાર જીપ ખરીદી હતી. ગત 5 એપ્રિલના રોજ મારી સોસાયટીની પાછળ ગાયત્રી પાર્ક સોસાયટીમાં રહેતા શ્લોક સોલંકી સાંજના સાતેક વાગ્યાના સુમારે પંચમ પાર્ટી પ્લોટ પાસે આવેલ કેર નર્સિંગ હોમ હોસ્પિટલ પાસે આવ્યો હતો અને મને કહ્યું હતું કે, તમારી થાર ગાડી ઘરે પડી રહી છે અને પાદરાના વડુ ગામમાં રહેતા મારા મિત્ર માહંમદ ફરીદ સિંધાને એક દિવસ માટે કારની જરૂર છે અને એક દિવસનું ભાડુ સાડા ચાર હજાર છે, જેથી મે મારી થાર શ્લોક સોલંકીને આપી હતી અને મહંમદ ફરીદ ઐયુબભાઈ સિંધાના આધાર કાર્ડ તેમજ ડ્રાઈવીંગ લાયસંસની નકલ તેમની પાસેથી મેં લીધી હતી.
મારી થાર કાર શ્લોકને આપતા તેણે તેઓ મહમદ ફરીદ સિંધાને આપી હતી. ત્યારબાદ મારી કાર નહી આપતા મે સ્લોકને ગાડી બાબતે પુછતા તેણે મને કહ્યું હતું કે, ચિંતા ના કરો, તમારી ગાડી આવી જશે અને મારી કારમાં જી.પી.એસ સિસ્ટમ લગાવી હતી, જે સિસ્ટમ 6 એપ્રિલના રોજ સાંજના બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ હું તથા શ્લોક સોલંકી મહંમદ ફરીદ સિંધાના ઘરે તપાસ કરવા જતા મને જાણવા મળ્યું હતું કે, આ મહંમદ ફરીદનો ગાડી કટીગ કરવાનો ધંધો છે. કાર માલિક સાથે થયેલી ઠગાઈના આધારે પોલીસે નોંધી બંને શખ્સો કાર્યવાહી શરૂ કરી છે.