- આગામી વર્ષે પાલિકાની ચૂંટણીને ધ્યાને લઇ પ્રમુખ અંગે નિર્ણય લેવામાં આવશે
- ભાજપ ચોંકાવવાની પ્રથા જાળવી રાખે તો કોથળામાંથી બિલાડું પણ નીકળે..!
વડોદરામાં ભાજપના સંગઠન પર્વ દરમ્યાન પ્રમુખ પદ માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. હાલના શહેર પ્રમુખ ડો. વિજય શાહ રીપિટ થશે કે શહેરને નવા પ્રમુખ મળશે એવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી આગામી વર્ષના અંત માં યોજાશે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં શહેર પ્રમુખની ભૂમિકા મહત્વની હોય છે. શહેર પ્રમુખનો સમયગાળો ત્રણ વર્ષનો હોય છે જેમાં પ્રમુખપદના સમયગાળામાં પાલિકા અને વિધાનસભાની ચૂંટણી યોજાય છે. ક્યારેક લોકસભાની ચૂંટણી પણ પ્રમુખ પદના ત્રણ વર્ષના સમયમાં આવતી હોય છે. ભાજપના હાલમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને વડોદરામાં વોર્ડ પ્રમુખપદ માટે દાવેદારીઓ ચાલી રહી છે. આ દરમ્યાન શહેર પ્રમુખના ત્રણ વર્ષનો સમયગાળો હાલના પ્રમુખ ડૉ વિજય શાહ પણ પૂરો કરી ચૂક્યા છે. ભાજપમાં અને રાજકીય પંડિતોમાં ડૉ. વિજય શાહ રિપિટ થશે કે શહેર ને નવા પ્રમુખ મળશે એ એક જ મુદ્દાની ચર્ચા ચાલી રહી છે. વિજય શાહ ના મજબૂત પાસાઓની વાત કરીએ તો વર્ષ ૨૦૨૦ માં શહેર પ્રમુખપદ સાંભળતાની સાથે જ તેમણે મહાનગર પાલિકામાં ભાજપને વિક્રમી જીત અપાવી હતી. ૨૦૦૫ થી અત્યાર સુધીમાં યોજાયેલી ચાર ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ ૭૯ બેઠકો ડૉ વિજય શાહ ના નેતૃત્વ માં મળી હતી. વર્ષ ૨૦૨૨ માં યોજાયેલી વિધાનસભા અને ૨૦૨૪ માં પણ તેમના નેતૃત્વમાં ભાજપને ઝળહળતી સફળતા મળી છે. જો કે પક્ષમાં રહેલા તેમના વિરોધીઓ ભાજપની સફળતાનો શ્રેય આપવા તૈયાર નથી. પક્ષમાં રહેલા ડૉ. વિજય શાહના વિરોધીઓ વિરોધ કરે એ સ્વાભાવિક છે.
વિરોધીઓનો તર્ક છે કે વડોદરા ભાજપનો ગઢ છે અને અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ ચાલે છે. ખેર, ભાજપમાં હોદ્દેદાર ના સમયગાળામાં મળેલી સફળતા ને ચોક્કસ ધ્યાનમાં લેવામાં આવે છે. આમ તો ડૉ વિજય શાહનો પ્રમુખપદ નો સમયગાળો એક વર્ષ પહેલા પૂરો થઈ ચૂક્યો છે. હવે પક્ષ આખરી નિર્ણય લે એ પહેલા પ્રમુખપદ ડૉ વિજય શાહ ને પસંદન કરે એવા સંજોગોમાં અન્ય દાવેદારોની વાત કરીએ તો ડૉ. વિજય શાહના વિકલ્પ તરીકે સંખ્યાબંધ નામોની ચર્ચા છે. આ નામો માં મોખરે ચાલતા નામોમાં યુનિવર્સિટીના પૂર્વ જી. એસ. કુણાલ પટેલનું નામ પણ ચર્ચા માં છે. યુવા અને સંગઠન સાથે ચાલતા કુણાલ પટેલની પસંદગી થઈ શકે છે. પૂર્વ કાઉન્સિલર અને શહેર મહામંત્રી રહી ચૂકેલા રાકેશ પટેલ પણ પ્રમુખ પદ ની હોડમાં છે. મેહુલ ઝવેરી પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે પણ દાવેદાર ગણી શકાય. વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીમાં વર્ચસ્વ ધરાવતા અને સાંસદ ડૉ. હેમાંગ જોષીની પહેલી પસંદગી ગણાતા જીગર ઈમાનદાર પણ શહેર પ્રમુખ પદનો કળશ ઢોળાય તો નવાઈ નહી.
ભાજપમાં સાઈડ ટ્રેક થયેલા નેતાઓને અચાનક હોદ્દો આપી સૌને ચોંકાવી દેવા એ નવી વાત નથી અને જો આવું થાય તો પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ દિનેશ ચોકસી પણ શહેરના નવા પ્રમુખ બની શકે છે. દિનેશ ચોકસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુક માં છે અને વહીવટ તથા સંગઠન પર પક્કડ રાખવાની ત્રેવડ તેમના જમા પાસા છે. લોકસભાની ચૂંટણીમાં પક્ષના આદેશને શિરોમાન્ય રાખી ટિકિટ પરત કરનારા પૂર્વ સાંસદ રંજનબેનના રાજકીય ભોગનું વળતર પ્રમુખ પદ તરીકે પણ મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રંજનબેન અગાઉ બે ટર્મ સુધી પ્રમુખ પદ પર રહી ચૂક્યા છે અને તેમનો સમયગાળો પણ ભાજપ માટે સફળ રહ્યો છે. જો અને તો ના રાજકીય સમીકરણ વચ્ચે પ્રમુખપદ માટે પાછલા બારણે લોબિંગ થઈ રહ્યું છે. જો કે ભાજપમાં હંમેશા ની જેમ કોથળામાંથી બિલાડું કાઢી વધુ એકવાર દાવેદારોના સપના પર ઠંડુ પાણી રેડાય તો નવાઈ નહી...