વડોદરા રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ભીડભાડવાળા વિસ્તારોમાં શહેર પોલીસ દ્વારા સતત ચેકિંગ શરૂ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઇને વડોદરા શહેર પોલીસ એલર્ટ

MailVadodara.com - City-police-start-continuous-checking-at-Vadodara-railway-station-bus-stand-crowded-areas

- શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો

- અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સતર્ક

- લોકોને ખોટી અફવા પર ધ્યાન ન આપવા અપીલ, ભીડવાળી જગ્યાઓ પર પોલીસનું ખાસ ચેકિંગઃ પોલીસ કમિશનર

જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઇને વડોદરા શહેર પોલીસ એલર્ટ થઈ ગઈ છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ભીડભાડવાળા વિસ્તારોમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે અપીલ કરી છે કે, નાગરીકો કોઇપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે. પોલીસ તેમની સુરક્ષા માટે ખડેપગે છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, 22 તારીખે જમ્મુ-કાશ્મીરમાં બનેલા બનાવને લઇને શહેરની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવી છે. તમામ ડીસીપી, એસીપી, પીઆઇ અને કોન્સ્ટેબલ સુધી સુરક્ષાને લઇને સૂચનાઓ આપી દેવામાં આવી છે. શહેરના સંવેદનશિલ વિસ્તારોમાં પોલીસન સતત હાજરી રહેશે. આ ઉપરાંત રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યાં સતત પોલીસની હાજરી પણ રહેશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં પોલીસની હાજરી અને કોઇ પણ પ્રકારની અનિચ્છિનિય ઘટના ન બને તે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અગાઉ જે ઇસમો એન્ટી નેશનલ પ્રવૃતિ સાથે જોડાયેલા હતા, તેવા ઇસમોની તપાસ કરવામાં આવી રહી છે, જેથી કરીને આવા તત્વો શહેરમાં સક્રિય ન બને. સાથે કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સતર્ક છે.

તેઓએ ઉમેર્યું હતું કે, આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ચાલતી પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવી રહી છે. જેના માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમો સર્તક છે. એવી કોઇપણ વસ્તુઓ ધ્યાન પર આવે તો એક્શન લેવામાં આવે છે. નાગરીકો પણ કોઇપણ અફવાઓ પર ધ્યાન ન આપે તેવી અમે અપીલ કરીએ છીએ. શહેરમાં કોઇપણ પ્રકારની ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ છે.

Share :

Leave a Comments