- દૂધના ભાવમાં કરાયેલો ભાવ વધારાના પગલે ગૃહીણીઓના બજેટ પર અસર, સામાન્ય લોકોમાં રોષ
- કોંગ્રેસ કાર્યકરો દ્વારા બરોડા ડેરી ખાતે દૂધનો ભાવ વધારો પરત ખેંચો, મોંઘવારીથી ત્રસ્ત મહિલાઓ જાગો જેવા સૂત્રોચાર લખેલા બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું
- ભાજપ હાય હાય, ભાજપ સરકારની તાનાશાહી નહીં ચાલે તેવા સૂત્રોચાર સાથે થાળી વેલણ વગાડી વિરોધ કર્યો, અપ્રિય ઘટના ન બને તે માટે મકરપુરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો
ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા અમુલ દૂધમાં પ્રતિ-લિટર રૂપિયા 2નો કરવામાં આવેલ ભાવ વધારાના વિરોધમાં આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે બરોડા ડેરી ખાતે દૂધનો ભાવ વધારો પરત ખેંચવાના જેવા ભારે સૂત્રોચાર સાથે પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અમુલ દ્વારા 1 મેથી અમુલ ગોલ્ડ, શક્તિ, ગાય, તાજા અને સ્લિમ એન્ડ ટ્રીમ જેવા વિવિધ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2નો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી બરોડા ડેરી દ્વારા પણ પ્રતિ-લિટર રૂપિયા 2નો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. દૂધના ભાવમાં કરવામાં આવેલા ભાવ વધારાના પગલે ગૃહોણીઓના બજેટ ઉપર અસર પહોંચી છે, જેના પગલે સામાન્ય લોકોમાં રોષ ફેલાયો છે.
ટૂંકા ગાળામાં જ દૂધના ભાવમાં કરવામાં આવેલા ભાવ વધારાના વિરોધમાં આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા બરોડા ડેરી ખાતે દૂધનો ભાવ વધારો પરત ખેંચો, મોંઘવારીથી ત્રસ્ત મહિલાઓ જાગો જેવા સૂત્રોચાર લખેલા બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરો દ્વારા બરોડા ડેરીના ગેટ પાસે કુદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારી માટે જવાબદાર ભાજપ વિરોધી સુત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઉપરાંત હાય રે ભાજપ હાય હાય, ભાજપ સરકારની તાનાશાહી નહીં ચાલે તેવા સૂત્રોચાર સાથે થાળી વેલણ વગાડી વિરોધ કરી બરોડા ડેરીના એમડી અજય જોશીને ભાવ વધારો પાછો ખેંચવા આવેદનપત્ર થકી રજૂઆત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક ફેડરેશન દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાના પગલે બરોડા ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં કરવામાં આવેલા વધારા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, કાળઝાળ ગરમીમાં થયેલા દૂધના ભાવમાં વધારો અને દૂધની બનાવટોમાં થયેલા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ગરીબ લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં એલપીજી ગેસના ભાવમાં પણ રૂપિયા 50નો વધારો કરવામાં આવ્યો હતો. ગેસ સિલિન્ડરમા થયેલા ભાવ વધારાની કળ વળી ન હતી ત્યાં જીવન જરૂરી દૂધના ભાવમાં કરવામાં આવેલા વધારાનો વિરોધ કરવા માટે આજે કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.